ચોમાસા પર ‘અલ-નીનો’ નું ગ્રહણ: જૂનને બદલે મે માસથી જ અસર શરૂ થશે, WMO ની આગાહીથી ખેડૂતો અને સરકાર ચિંતિત
-
૨૦૨૬ માં ભારતની બેવડી કસોટી- ઈરાન યુદ્ધ વચ્ચે હવે નબળા ચોમાસાનો ખતરો; પેસિફિક સમુદ્રનું તાપમાન વધતા ચિંતા વધી
-
વૈશ્વિક ઉષ્ણતામાનમાં વધારો થતા ચોમાસુ નબળું રહેવાની ભીતિ- હવામાન એજન્સીઓ હવે આખા સીઝન પર થનારી અસરનો કરી રહી છે અભ્યાસ
-
વિશ્વ હવામાન સંગઠન (WMO) નો ચોંકાવનારો રિપોર્ટ: મે-જૂનથી જ દરિયાઈ સપાટીનું તાપમાન વધશે; ઓગસ્ટ સુધીની રાહ જોવી હવે ભૂલભરેલી
નવી દિલ્હી: ભારત માટે વર્ષ ૨૦૨૬ કસોટીની એરણ પર હોય તેવું જણાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ટેરિફ વિવાદ અને ઈરાન યુદ્ધને કારણે ઉભી થયેલી આર્થિક મુશ્કેલીઓ વચ્ચે હવે કુદરતે પણ આંખ લાલ કરી છે. વિશ્વ હવામાન સંગઠન (WMO) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી આગાહી મુજબ, નૈઋત્યના ચોમાસા પર ‘અલ-નીનો’ નો પ્રભાવ અગાઉની ધારણા કરતા ઘણો વહેલો એટલે કે મે-જૂન માસથી જ શરૂ થઈ જવાની પૂરી શક્યતા છે. આ સ્થિતિ ભારત જેવા કૃષિ પ્રધાન દેશ માટે અત્યંત ચિંતાજનક છે.
સામાન્ય રીતે ભારતીય ચોમાસુ જૂન થી સપ્ટેમ્બર દરમિયાન હોય છે. અગાઉ હવામાન નિષ્ણાતોનું માનવું હતું કે અલ-નીનોની અસર ઓગસ્ટ માસની આસપાસ શરૂ થશે, જેના કારણે ચોમાસાના પાછળના ભાગમાં વરસાદ ઓછો રહેશે. પરંતુ હવે પેસિફિક સમુદ્રના તાપમાનમાં થઈ રહેલા ઝડપી ફેરફારોને જોતા ડબલ્યુએમઓ (WMO) એ ચેતવણી આપી છે કે મે-જૂનથી જ આ પરિબળ સક્રિય થઈ જશે. આનો અર્થ એ થયો કે ૧ જૂનથી કેરળમાં બેસતા ચોમાસાના પ્રારંભિક તબક્કે જ વરસાદની અછત સર્જાઈ શકે છે.
સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતા અત્યારથી જ વધવા લાગ્યું છે. જ્યારે સમુદ્રી પાણી ગરમ થાય છે, ત્યારે તે વરસાદી પવનોની શક્તિ ઘટાડે છે, જેને કારણે ભારતમાં નબળું ચોમાસુ અને ઓછો વરસાદ જેવી સ્થિતિ સર્જાય છે. જો ચોમાસાનો પ્રારંભ જ નબળો રહેશે, તો તેની સીધી અસર ડાંગર, કપાસ અને મગફળી જેવા ખરીફ પાકોના વાવેતર પર પડશે. મોંઘવારી અને ઈંધણ સંકટની વચ્ચે નબળું ચોમાસુ ગ્રામીણ અર્થતંત્રની કમર તોડી શકે છે. હાલમાં દેશની તમામ હવામાન એજન્સીઓ આ પરિબળની ચોમાસાના બાકીના મહિનાઓ પર શું અસર થશે તેનો ઊંડો અભ્યાસ કરી રહી છે.