ગુજરાતમાં ‘કેસરીયો’ છવાયો: મનપાથી લઈને તાલુકા પંચાયત સુધી ભાજપનો ભવ્ય વિજય, વિપક્ષના સુપડા સાફ
-
મોડેલ સ્ટેટમાં ફરી ખીલ્યું કમળ- ગામડાથી શહેર સુધી ભાજપનો જયજયકાર; કોંગ્રેસ અને ‘આપ’ રેસમાં ફેંકાઈ ગયા
-
મતદારોએ ફરી મૂક્યો અતૂટ ભરોસો- 1090 જીલ્લા પંચાયત બેઠકોમાં ભાજપ ક્લીન સ્વીપ તરફ; વિપક્ષી છાવણીમાં સન્નાટો
-
નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ ફરી ભાજપના કબજે- સુરતથી પોરબંદર સુધી કેસરીયો લહેરાયો; રેકોર્ડબ્રેક બહુમતી
સમગ્ર દેશની નજર જ્યાં કેન્દ્રીત હતી તે ભાજપના "મોડેલ સ્ટેટ" ગણાતા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ભવ્ય વિજય મેળવીને વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દીધા છે. ૧૫ મહાપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જીલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની યોજાયેલી આ મહાચૂંટણીમાં આજે સવારથી શરૂ થયેલી મતગણતરીમાં સર્વત્ર ભગવો લહેરાયો છે. ગામડાથી લઈને શહેરો સુધી ભાજપનો દબદબો યથાવત રહ્યો છે, જે સાબિત કરે છે કે મતદારોએ ફરી એકવાર ભાજપના શાસન અને નેતૃત્વ પર અટલ ભરોસો મૂક્યો છે.
સવારે ૧૦ વાગ્યા સુધીના મળતા ટ્રેન્ડ અનુસાર, રાજ્યની કુલ ૯૯૯૨ બેઠકોમાંથી જે ૧૨૩૬ બેઠકોના પરિણામ કે ટ્રેન્ડ સામે આવ્યા છે, તેમાં ભાજપ ૧૧૩૧ બેઠકો સાથે પ્રચંડ લીડ ધરાવે છે. તેની સામે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ માત્ર ૭૬ અને આમ આદમી પાર્ટી ૨૯ બેઠકો પર સીમિત રહી છે. જીલ્લા પંચાયતની ૧૦૯૦ બેઠકો પૈકી ૭૩ ના ટ્રેન્ડમાં ભાજપ ૬૯ બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ માત્ર ૩ બેઠકો પર માંડ ખાતું ખોલાવી શકી છે. આ પરિણામોએ ફરી સાબિત કર્યું છે કે ગુજરાત ભાજપની અજેય રાજકીય પ્રયોગશાળા છે.
નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં પણ ચિત્ર ભાજપની તરફેણમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નગરપાલિકાની ૨૬૨૪ બેઠકોમાંથી ૫૫૧ ના ટ્રેન્ડમાં ભાજપ ૫૦૧ પર આગળ છે. તેવી જ રીતે તાલુકા પંચાયતની ૫૨૩૪ બેઠકોમાંથી ૩૮૪ ના ટ્રેન્ડમાં ૩૪૯ પર ભાજપના ઉમેદવારો વિજયી કે લીડ ધરાવી રહ્યા છે. મહાનગરપાલિકાઓમાં પણ ભાજપે પોતાની પકડ મજબૂત રાખી છે, ૨૧૬ ના ટ્રેન્ડમાં ૧૯૯ બેઠકો પર ભાજપે કબ્જો જમાવ્યો છે. કોંગ્રેસ અને આપ કેટલીક બેઠકો પર રસાકસી આપી રહ્યા છે, પરંતુ સત્તાના સમીકરણોમાં ભાજપ એકપક્ષીય રીતે વિજેતા બની રહ્યું છે.
ચૂંટણી પંચના આંકડા મુજબ, આ વખતે મતદાનમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. મહાનગરપાલિકાઓમાં સરેરાશ ૪૯.૧૪ ટકા મતદાન નોંધાયું હતું, જેમાં વાપીમાં સૌથી વધુ ૬૫.૬૮ ટકા અને ગાંધીધામ-પોરબંદરમાં સૌથી ઓછું મતદાન થયું હતું. જોકે, નગરપાલિકામાં ૫૯.૮૧ ટકા, જીલ્લા પંચાયતમાં ૬૧.૮૩ ટકા અને તાલુકા પંચાયતમાં ૬૨.૦૫ ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું. આ ઊંચા મતાદાને સત્તાવિરોધી લહેરને બદલે સત્તાધારી પક્ષના સમર્થનમાં પલટવાર કર્યો હોવાનું વિશ્લેષકો માની રહ્યા છે.
રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપની આ જીત પાછળ સંગઠન શક્તિ અને વિકાસના કાર્યો મુખ્ય કારણ છે. કોંગ્રેસ પોતાની જૂની મતબેંક સાચવવામાં પણ નિષ્ફળ રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ કેટલીક જગ્યાએ ત્રીજા પક્ષ તરીકે હાજરી પુરાવી છે પણ તે ભાજપને નુકસાન પહોંચાડવામાં અસમર્થ રહી છે. હવે જ્યારે વિજયના સત્તાવાર એલાન થઈ રહ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં વિજય સરઘસો અને ફટાકડા ફોડીને ભાજપના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે. આ પરિણામો આગામી વિધાનસભા અને અન્ય ચૂંટણીઓ માટે ભાજપનો આત્મવિશ્વાસ બમણો કરનારા સાબિત થશે.