ઇંધણની અછત નથી પણ ડોલર બચાવવા કરકસર જરૂરી: પીએમની અપીલનું અર્થઘટન
- 60 દિવસનું ક્રૂડ અને 45 દિવસનો LPG જથ્થો ઉપલબ્ધ; પીએમના નિવેદનનો ખોટો અર્થ ન કાઢો
- કાચા તેલના ભાવ 115 ડોલરે પહોંચતા સ્થિતિ ગંભીર; જનતા પર બોજ ન પડે તેવો સરકારનો પ્રયાસ
- હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા LPG ઉત્પાદનમાં કર્યો ધરખમ વધારો; વિદેશી મુદ્રા ભંડાર બચાવવા પર જોર
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ દેશમાં ઈંધણની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓ અને આશંકાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. દિલ્હીમાં આયોજિત CII એન્યુઅલ બિઝનેસ સમિટ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત પાસે હાલમાં 60 દિવસનું ક્રૂડ ઓઇલ, 60 દિવસની LNG અને 45 દિવસની LPG નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કરેલી બચતની અપીલને લઈને જનતામાં સર્જાયેલા ગભરાટ અંગે તેમણે કહ્યું કે, પીએમની વાતોનો મનફાવે તેવો અર્થ કાઢીને અફરા-તફરી મચાવવી નકામી છે.
વડાપ્રધાન મોદીએ લોકોને ઈંધણ અને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા, પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા અને વિદેશી યાત્રાઓ ટાળવા માટે જે અપીલ કરી છે તેનો મુખ્ય હેતુ દેશના વિદેશી મુદ્રા ભંડાર (ડોલર) ને બચાવવાનો છે. મંત્રીએ સમજાવ્યું કે ભારત તેની જરૂરિયાતનું 88 ટકા ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે. પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે તેલના ભાવ 65 ડોલરથી વધીને 115 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે, જેના કારણે દરરોજ વિદેશી હૂંડિયામણ પર મોટું ભારણ વધી રહ્યું છે. ઈંધણમાં કરકસર કરવાથી આ વધારાનો ખર્ચ ઘટાડી શકાય છે.
હરદીપ પુરીએ તેલ કંપનીઓની આર્થિક હાલત અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલા ભાવનો બોજ સીધો સામાન્ય જનતા પર નાખ્યો નથી. જોકે, આના કારણે તેલ કંપનીઓને દરરોજ 1000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં આ ખોટ 1.98 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ત્રિમાસિક આંકડાઓ મુજબ કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે. આવા સંજોગોમાં તેલના ભાવને લાંબા સમય સુધી સ્થિર રાખવા પડકારજનક છે અને આગામી 15 મે આસપાસ ઇંધણના ભાવમાં વધારો થવાના એંધાણ છે.
લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન અંગે મંત્રીએ જણાવ્યું કે, દુનિયાની ઉર્જાનો 20 ટકા હિસ્સો જે હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવે છે તે રસ્તો બંધ થતા મુશ્કેલી સર્જાઈ હતી. ભારતની એલપીજી આયાતનો 60 ટકા હિસ્સો ત્યાંથી જ આવતો હતો. જોકે, ભારતે આ પડકારનો સામનો કરવા માટે પોતાના ઘરેલું એલપીજી ઉત્પાદનને દરરોજ 36,000 મેટ્રિક ટનથી વધારીને 54,000 મેટ્રિક ટન સુધી પહોંચાડી દીધું છે, જે એક મોટી સિદ્ધિ છે. દેશ પાસે વિશાખાપટ્ટનમ અને મેંગલુરુ જેવા સ્થળોએ ભૂગર્ભ વ્યૂહાત્મક ભંડારમાં પણ જથ્થો સુરક્ષિત છે.
અંતમાં, મંત્રીએ જનતાને ખાતરી આપી હતી કે ભારત પાસે 1991 કે કોરોનાકાળ જેવી કટોકટી નથી, પરંતુ આર્થિક શિસ્ત જાળવવી જરૂરી છે. પીએમની અપીલ બાદ દેશભરમાં પેટ્રોલ પંપો પર જે ‘પૅનિક બાઇંગ’ (ગભરાટમાં ખરીદી) શરૂ થઈ છે તેની કોઈ જરૂર નથી. દેશ પાસે પૂરતો સ્ટોક છે અને સરકાર સતત સપ્લાય મોનિટર કરી રહી છે. લોકોએ માત્ર બિનજરૂરી ખર્ચ ટાળીને દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં સહયોગ આપવો જોઈએ.