Loading Please Wait !!!
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ મારી બાજી

  • ગયા વર્ષ કરતા પરિણામમાં 3%નો ઘટાડો; ત્રિવેન્દ્રમ દેશમાં પ્રથમ અને પ્રયાગરાજ સૌથી પાછળ
  • દરેક વિષયમાં 33% ગુણ અનિવાર્ય; નાપાસ વિદ્યાર્થીઓ માટે કમ્પાર્ટમેન્ટ પરીક્ષાની તક
  • 88.86% છોકરીઓ અને 82.23% છોકરાઓ સફળ; ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓનું 100% પરિણામ

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વર્ષ 2026 માટે ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે. આ વર્ષે કુલ 85.20% વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે, જે ગત વર્ષના પરિણામની સરખામણીએ 3% ઓછું નોંધાયું છે. બોર્ડે આ વખતે ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ દ્વારા ઉત્તરવહીઓની ચકાસણી કરી હતી. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. જોકે, ઓનલાઇન જાહેર કરાયેલ માર્કશીટ પ્રોવિઝનલ રહેશે અને ઓરિજિનલ માર્કશીટ જે તે સ્કૂલમાંથી મેળવવાની રહેશે.

પરિણામોમાં ફરી એકવાર છોકરીઓએ વર્ચસ્વ જાળવી રાખ્યું છે. છોકરીઓનું કુલ પરિણામ 88.86% રહ્યું છે, જ્યારે છોકરાઓનું પરિણામ 82.23% નોંધાયું છે. આમ, છોકરીઓ છોકરાઓ કરતા 6.73% વધુ સફળ રહી છે. આશ્ચર્યજનક રીતે, ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓનું પરિણામ 100% આવ્યું છે. ક્ષેત્રીય ધોરણે જોતા ત્રિવેન્દ્રમ ક્ષેત્ર 95.62% સાથે સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ ક્ષેત્ર 72.43% સાથે સૌથી નીચલા ક્રમે રહ્યું છે.

CBSE એ આ વર્ષે પણ કોઈ મેરિટ લિસ્ટ કે ટોપર જાહેર ન કરવાની પોતાની પોલિસી જાળવી રાખી છે. બોર્ડે તમામ શૈક્ષણિક સંસ્થાઓને સૂચના આપી છે કે કોઈ પણ વિદ્યાર્થીને સ્કૂલ કે ડિસ્ટ્રિક્ટ ટોપર તરીકે જાહેર ન કરવો. જે વિદ્યાર્થીઓ પાસે APAAR ID છે અને તે CBSE સાથે લિંક થયેલું છે, તેઓ DigiLocker ના ‘Issued Documents’ સેક્શનમાંથી સીધી પોતાની ડિજિટલ માર્કશીટ મેળવી શકશે. જેઓ પાસે આ આઈડી નથી, તેમણે નવું એકાઉન્ટ બનાવવું પડશે.

પરિણામ ચકાસવા માટે વિદ્યાર્થીઓને રોલ નંબર, સ્કૂલ નંબર, એડમિટ કાર્ડ આઈડી અને જન્મ તારીખની જરૂર પડશે. જો સર્વર ડાઉન હોય અથવા ઇન્ટરનેટની સુવિધા ન હોય, તો વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જાણી શકે છે. તે માટે તેમણે 'CBSE 12 (Roll Number)' લખીને 7738299899 પર મોકલવાનું રહેશે. બોર્ડના નિયમ મુજબ પાસ થવા માટે દરેક વિષયમાં 33% ગુણ લાવવા ફરજિયાત છે.

જે વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ થયા છે, તેમને વર્ષ બચાવવા માટે કમ્પાર્ટમેન્ટ (પૂરક) પરીક્ષા આપવાની તક આપવામાં આવશે. જોકે, બે કે તેથી વધુ વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓએ ફરીથી ધોરણ 12નો અભ્યાસ કરવો પડશે. ગત વર્ષે (2025) પાસ થવાની ટકાવારી 88.39% હતી, જેની સરખામણીએ આ વર્ષે પરિણામમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરિણામ જાહેર થયા બાદ હવે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં જોડાઈ શકશે.