સોના-ચાંદીના પ્રેમીઓને મોટો ફટકો: સરકારે ઈમ્પોર્ટ ડ્યૂટી 6% થી વધારી 15% કરી
- પીએમની અપીલ બાદ કેન્દ્રનું આકરું પગલું; હવે સોનું ખરીદવું સામાન્ય જનતા માટે બનશે મોંઘું
- બેઝિક ડ્યૂટી અને સેસ મળીને કુલ 15% ટેક્સ; વિદેશી મુદ્રા ભંડાર બચાવવા લેવાયો નિર્ણય
- ડોલરનો પ્રવાહ રોકવા અને રૂપિયાને મજબૂત કરવા માસ્ટરપ્લાન; જ્વેલરી ઉદ્યોગમાં ચિંતા
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે કરેલી ભાવુક અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે આ દિશામાં અત્યંત મક્કમ અને મોટું આર્થિક પગલું ભર્યું છે. સરકારે સોના, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓ પરની કસ્ટમ ડ્યૂટીમાં (આયાત શુલ્ક) ધરખમ વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયને પગલે હવે દેશમાં સોના-ચાંદીની આયાત કરવી મોંઘી સાબિત થશે, જેની સીધી અસર સ્થાનિક બજારોમાં જોવા મળશે અને કિંમતોમાં મોટો ઉછાળો આવી શકે છે.
નવા કર માળખા મુજબ, સરકારે સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટી જે અત્યાર સુધી 6 ટકા હતી, તેને વધારીને સીધી 15 ટકા કરી દીધી છે. આ 15 ટકાના ગણિતમાં 10 ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી અને 5 ટકા એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ભારત સરકારે વર્ષ 2024 ના બજેટમાં સોના-ચાંદી પરની ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી હતી જેથી આયાતને પ્રોત્સાહન મળ્યું હતું, પરંતુ હવે ફરી ડ્યૂટી એ જ જૂના સ્તરે પરત આવી ગઈ છે.
સરકારના આ કડક નિર્ણય પાછળ મુખ્ય ત્રણ આર્થિક કારણો જવાબદાર માનવામાં આવે છે. પ્રથમ, સોનાની આયાત ઘટાડીને વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves) પરનું દબાણ ઓછું કરવું. બીજું, આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર સામે સતત ઘટી રહેલા ભારતીય રૂપિયાને સ્થિર કરવા માટે ડોલરનો બહાર જતો પ્રવાહ રોકવો અને ત્રીજું, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને સંકટ વચ્ચે દેશની આર્થિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવી.
જોકે, સરકારના આ નિર્ણયથી વહીવટી અધિકારીઓમાં એક અલગ પ્રકારની ચિંતા પણ જોવા મળી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ડ્યૂટીમાં આટલો મોટો વધારો થવાથી સોનાની સ્મગલિંગ એટલે કે ગેરકાયદે આયાતના કિસ્સાઓ ફરી વધી શકે છે. વર્ષ 2024 માં જ્યારે ડ્યૂટી ઘટાડવામાં આવી હતી ત્યારે સ્મગલિંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જે હવે ટેક્સ વધવાને કારણે ફરી વકરી શકે છે. આથી, એરપોર્ટ અને બોર્ડર પર કડક દેખરેખ રાખવી સરકાર માટે મોટો પડકાર બની રહેશે.
જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ પણ આ નિર્ણયથી ચિંતિત છે, કારણ કે ડ્યૂટી વધતા જ્વેલરીના ભાવ વધશે અને તેની સીધી અસર લગ્નસરાની સિઝનમાં ગ્રાહકોની ખરીદી પર પડશે. પીએમ મોદીની અપીલ અને સરકારના આ આર્થિક ડામ બાદ હવે લોકો સોનામાં રોકાણ કરવાનું ટાળે છે કે કેમ તે જોવું રહ્યું. આગામી દિવસોમાં સોના અને ચાંદીના વાયદા બજારમાં પણ આ નિર્ણયને કારણે મોટી ઉથલપાથલ થવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.