Loading Please Wait !!!
એક કામથી કામ ચાલે, છતાં કરોડોનું પેટ્રોલ સળગાવે મહાપાલિકાઓ

  • જનતાના પૈસા સળગે છે; એક વાહન બસ છતાં કાફલો કેમ?
  • 15 મહાપાલિકાનો ખર્ચ કાંડ: વર્ષે 200 કરોડનું પેટ્રોલ વાપરી નાંખે છે
  • રાજકોટમાં PMની અપીલ બાજુએ, મહાપાલિકાનો ખર્ચ ચાલુ વર્ષે 12 કરોડ ઈંધણમાં વેડફાયા


સિટી ન્યૂઝ@રાજકોટ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ અને પર્યાવરણીય પડકારોને ધ્યાને રાખીને દેશવાસીઓને અત્યંત મહત્વની અપીલ કરી છે. વડાપ્રધાને નાગરિકોને પોતાના અંગત અને ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડીને જાહેર પરિવહન એટલે કે માસ ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું છે. આ સાથે જ્યાં શક્ય હોય ત્યાં 'વર્ક ફ્રોમ હોમ' અપનાવી ઈંધણની બચત કરવા પણ ભાર મૂક્યો છે. જોકે, આ આહ્વાનની સૌથી પહેલી અને કડક અમલવારી સરકારી કચેરીઓથી કરવાની જરૂર છે, કારણ કે માત્ર રાજકોટ મહાનગરપાલિકાનો જ વાર્ષિક ઈંધણ ખર્ચ રૂ. ૧૨ કરોડ પહોંચી ગયો છે. PMની અપીલને માન આપી ગાડીઓનો મોહ છોડી સાહેબો સિટીબસનો ઉપયોગ કરે તો પ્રજાને પણ પ્રેરણા મળે અને લાખો રૂપિયા પણ બચાવી શકાય.

સૌરાષ્ટ્રના આર્થિક અને વહીવટી કેન્દ્ર એવા રાજકોટમાં એ-ગ્રેડની મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી, બહુમાળી ભવન અને જિલ્લા પંચાયત જેવી મહત્વની સંસ્થાઓ આવેલી છે. આ તમામ કચેરીઓમાં પદાધિકારીઓથી માંડીને ઉચ્ચ અધિકારીઓ સુધી તમામને પ્રજાના ટેક્સના પૈસે મોંઘીદાટ ગાડીઓ અને ઈંધણની સુવિધા મળે છે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પાછળનો ખર્ચ રૂ. ૧૨ કરોડ જેટલો થયો હતો. મનપા પાસે અમૂલ સર્કલ નજીક પોતાનો પેટ્રોલ પંપ હોવા છતાં આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. મનપા હસ્તક હાલ ૨૪ VIP કાર સહિત ૩૪૧ પોતાના વાહનો છે અને અનેક વાહનો કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા છે.

આ વાહનો અને જનરેટર સેટ પાછળ વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. વડાપ્રધાનની અપીલને જોતા હવે એ જોવાનું રહેશે કે મનપામાં ચાર્જ સંભાળનારા નવા પદાધિકારીઓ કરકસરને માને છે કે કેમ? હાલમાં મનપામાં મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ સમિતિઓના ચેરમેન ઉપરાંત શાસક પક્ષના નેતા અને દંડક જેવા પદો ઉપર સરકારી ગાડીઓની લહાણી કરવામાં આવી છે. નોંધનીય છે કે દંડક કે શાસક પક્ષના નેતા એ કોઈ બંધારણીય પદ નથી, છતાં તેમને ગાડીની સુવિધા ફાળવવામાં આવી છે.

સિટી બસ ટ્રાન્સપોર્ટ પદાધિકારીઓ જનતા માટે પ્રેરણારૂપ બનવા ઉપયોગ કરશે ?

રાજકોટ મહાનગરપાલિકાએ પર્યાવરણ અને ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે શહેરમાં ૨૩૪ જેટલી સિટી બસ અને બીઆરટીએસ (BRTS) સેવાનું નેટવર્ક ઊભું કર્યું છે. શહેરમાં તમામ ડીઝલ બસોને બંધ કરી ઈલેક્ટ્રિક અને એસી બસો દોડાવવામાં આવી રહી છે, જે આધુનિક અને આરામદાયક છે. ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીમાં એવી બસો નાગરિકો માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. વડીલો માટે મફત મુસાફરી અને વિદ્યાર્થીઓ માટે રાહત દરે પાસની સુવિધા પણ ઉપલબ્ધ છે. આમ છતાં, આ આખી ટ્રાન્સપોર્ટ સેવા હાલ આર્થિક રીતે ખોટમાં ચાલી રહી છે, જેનું એક મુખ્ય કારણ એ છે કે મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો હજુ આ સેવાથી દૂર છે. જોકે વડાપ્રધાનની અપીલ ત્યારે જ સાર્થક થશે જ્યારે સરકારી કચેરીના 'સાહેબો' અને લોકપ્રતિનિધિઓ પોતે સિટી બસમાં મુસાફરી કરવાની શરૂઆત કરશે. લાખોનો પગાર લેતા અધિકારીઓ અને સરકારી ગાડીઓમાં ફરતા નેતાઓ જનતાને તો જાહેર પરિવહન વાપરવાની સલાહ આપે છે, પરંતુ તેઓ પોતે ક્યારેય બસમાં બેસતા નથી. અધિકારીઓનો બચાવ એવો હોય છે કે બસના સમય પત્રક મુજબ તેઓ કચેરીએ સમયસર પહોંચી શકતા નથી, જેનો અર્થ એ થયો કે તેમને પોતાની જ બસ વ્યવસ્થા પર વિશ્વાસ નથી.