ગુજરાતમાં શિક્ષણ તંત્ર ‘નાપાસ’ !
- ભવિષ્ય સાથે ખેલ: રાજ્યના બે શહેરોમાં ડ્રોપ આઉટમાં વધારો
- બનાસકાંઠા-વાવ-થરાદમાંથી શિક્ષણ જગત માટે હચમચાવી દેતી ઘટના
- મોડું જાગ્યું તંત્ર હવે 14 તાલુકામાં મેગા સર્વે શરૂ
- 38000 વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો
- આર્થિક સંકટ અને દીકરીઓની સુરક્ષાના ભયે 38000 વિદ્યાર્થીઓ સ્કૂલે જવાનું બંધ કર્યું
સિટી ન્યૂઝ@ગાંધીનગર : રાજ્યના બે જિલ્લા બનાસકાંઠા અને વાવ-થરાદમાંથી શિક્ષણ જગત માટે હચમચાવી દે તેવા આંકડા સામે આવ્યા છે. જિલ્લામાં ધોરણ ૧ થી ૧૨ના અંદાજે ૩૭,૪૧૫ જેટલા વિદ્યાર્થીઓ અધવચ્ચેથી અભ્યાસ છોડીને શિક્ષણના મુખ્ય પ્રવાહથી દૂર થઈ ગયા છે. પરિવારની આર્થિક સ્થિતિ, જાગૃતિનો અભાવ તેમજ દીકરીઓની સુરક્ષાએ શિક્ષણ છોડાવ્યું છે. જેથી આ બાળકોનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું હતું, પરંતુ હવે શિક્ષણ વિભાગ આ બાળકોને મનાવવા મેદાનમાં ઉતર્યું છે. બંને જિલ્લાના ૧૪ તાલુકામાં મેગા સર્વે હાથ ધર્યો છે. ખાસ કરીને ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટનું પ્રમાણ વધુ હોવાનું શિક્ષણ વિભાગના સર્વેમાં બહાર આવ્યું છે. દાંતા, અમીરગઢ, થરાદ, ધાનેરા, કાંકરેજ, પાલનપુર અને ડીસા જેવા વિસ્તારોમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે.
આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર નીચું હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસથી દૂર થઈ રહ્યા છે. શિક્ષણ વિભાગ બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત સક્રિય બન્યું છે. જિલ્લાના શિક્ષણ અધિકારીઓ, શિક્ષકો અને કર્મચારીઓ ગામે ગામ જઈ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ફરી શાળામાં પ્રવેશ અપાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે ૩૨,૦૭૮ જેટલા વિદ્યાર્થીઓનું વેરિફિકેશન કરી તેમના વાલીઓ, ગ્રામજનો અને સરપંચો સાથે બેઠક યોજી વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકોની ઘટ નથી પણ વાવ-થરાદમાં ઘટ છે જે ઘટ પણ આગામી સમયમાં નવા સત્રથી ‘જ્ઞાન સહાયક’ ની નિમણૂક આપી પૂર્ણ કરવામાં આવશે. જે બાળક ધોરણ ૧૦ સુધી પહોંચી શક્યું નથી અને તે બાળકો ૧૫ વર્ષથી વધુ વયના છે, તેમને અમે GSOS અને NIOS દ્વારા સીધી પરીક્ષા અપાવીને તેમની કારકિર્દી ઘડવામાં મદદરૂપ થઈશું.
આ અંગે કાનપુરા પગાર કેન્દ્ર આચાર્ય રમેશકુમાર નાનજી પટેલે જણાવ્યું કે, ધો. ૧ થી ૮ સુધી તો કંઈ તકલીફ નથી, પણ અહીં હાઈસ્કૂલ ન હોવાથી વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે પાંચ કિલોમીટર દૂર જવું પડે છે. આ વિસ્તાર અંતરિયાળ વિસ્તાર છે, એટલે અમુક દીકરીઓ મોટી થઈ ગઈ છે એના પરિણામે વાલીઓ ત્યાં મોકલવા માટે તૈયાર થતા નથી. પણ અમે આ મિશન મોડની અંદર એમને સમજાવી અને ૧૦૦% લક્ષ્યાંક પૂરો થાય અને ૬ થી ૧૮ વર્ષ સુધીનું દરેક બાળક શાળાએ ભણવા જાય એવા અમારા પૂરતા પ્રયત્નો છે. આગેવાનો, અમારા સાથી શિક્ષક મિત્રો અને ગ્રામજનોનો સહયોગ લઈ એમને સમજાવી અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય સારું જાય એટલા માટે શિક્ષણ લેવું જરૂરી છે. તો એ દિશામાં અમે સઘન પ્રયાસો કરી રહ્યા છીએ.