Loading Please Wait !!!
મિડલ ઈસ્ટ યુદ્ધનો સુરત પર ‘આર્થિક હુમલો’: ૬૦ દિવસમાં કાપડ ઉદ્યોગને ૩૦૦૦ કરોડનો ફટકો

  • ઉત્પાદન ખર્ચ વધ્યો અને લેવાલી ઘટી; ટેક્સટાઈલ ક્ષેત્રને બચાવવા રાહત પેકેજની ઉગ્ર માંગ
  • ક્રૂડના ભાવ વધતા યાર્ન મોંઘું થયું; ઉદ્યોગકારો માટે બેંકના હપ્તા અને વ્યાજ ભરવું બન્યું મુશ્કેલ
  • એક્સપોર્ટ માર્કેટ ઠપ થતા ડોમેસ્ટિક બજાર પર જ આશા; સરકાર પાસે વીજળી અને વ્યાજમાં માંગી રાહત

સિટી ન્યુઝ @ સુરત

સુરત સહિત દક્ષિણ ગુજરાતનો જીવાદોરી સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ હાલ ઇતિહાસના સૌથી કપરા અને ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે, જેના કારણે છેલ્લા ૬૦ દિવસના ટૂંકા ગાળામાં ઉદ્યોગને અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાનું જંગી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. યુદ્ધને પગલે ક્રૂડ ઓઈલના ભાવ વધતા યાર્ન મોંઘું થયું છે અને સામે બજારમાં ખરીદદારો ન હોવાથી સુરતના અડધા ટેક્સટાઈલ એકમો ઠપ થઈ ગયા છે.

ફેડેરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન (FOGWA) ના પ્રમુખ અશોક જીરાવાલાના જણાવ્યા મુજબ, સુરત એ દેશમાં મેન-મેડ ફાઈબર (MMF) નું મુખ્ય કેન્દ્ર છે. યાર્નનું ઉત્પાદન ક્રૂડ ઓઈલ પર આધારિત હોવાથી ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો થયો છે. પરિસ્થિતિ એવી છે કે કાપડ બનાવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે, પરંતુ તૈયાર કાપડની લેવાલી ન હોવાથી ઉદ્યોગકારોને રોજના ૫૦ થી ૬૦ કરોડના ટર્નઓવર પર ફટકો પડી રહ્યો છે. હાલમાં સુરતના મોટાભાગના યુનિટો પોતાની કુલ ક્ષમતાના માત્ર ૫૦% પર જ કાર્યરત છે.

ઉદ્યોગકારો સામે અત્યારે સૌથી મોટું સંકટ કુશળ કારીગરોને સાચવવાનું છે. જો એકમો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે તો શ્રમિકો વતન પલાયન કરી શકે છે, જે ભવિષ્યમાં મોટી સમસ્યા સર્જશે. બીજી તરફ, બેંક લોનના હપ્તા, વ્યાજ અને વીજળીના તોતિંગ બિલ ભરવા વેપારીઓ માટે હવે અશક્ય બની રહ્યા છે. આ પરિસ્થિતિમાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર પાસે તાકીદે રાહત પેકેજની માંગણી કરી છે, જેમાં વીજળી બિલમાં સબસિડી, વ્યાજ સહાય અને લોન મોરેટોરિયમ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

નિકાસમાં આવેલા જંગી ઘટાડા વચ્ચે અત્યારે સુરતનો ઉદ્યોગ માત્ર ડોમેસ્ટિક (સ્થાનિક) બજારને કારણે ધબકી રહ્યો છે. સરકાર પણ આ મામલે સક્રિય થઈ છે અને ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકોનો દોર શરૂ થયો છે. જોકે, નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે અને ક્રૂડના ભાવ સ્થિર નહીં થાય, તો આગામી સમયમાં સુરતના આર્થિક અર્થતંત્રમાં મોટું ગાબડું પડી શકે છે. લાખો પરિવારોની રોજીરોટી બચાવવા માટે સરકાર દ્વારા કોઈ ચોક્કસ આર્થિક બૂસ્ટ આપવામાં આવે તે હવે અનિવાર્ય બન્યું છે.