Loading Please Wait !!!
બેંગલુરુમાં PM મોદીના રૂટ પર ટાઈમર મળ્યું: મોટી સાઝિશનો પર્દાફાશ

  • જિલેટીન સ્ટીક્સ બાદ હવે ઇલેક્ટ્રોનિક સર્કિટ મળતા ખળભળાટ; કાવતરાખોરો એસેમ્બલ ન કરી શક્યા
  • 10 મેની ઘટનામાં પોલીસને મળ્યા વધુ પુરાવા; હાઈવેથી થોડે દૂર જલેટીનનો ડબ્બો મળ્યો
  • સવારે 7 વાગ્યે આવેલા ધમકીભર્યા ફોન બાદ પોલીસ એક્ટિવ; એક શખ્સની ધરપકડ

સિટી ન્યુઝ @ બેંગલુરુ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગત 10 મેના રોજ બેંગલુરુ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ગંભીર ચૂક રહી હોવાની વિગતો સામે આવતા સનસની મચી ગઈ છે. અગાઉ મળેલી જિલેટીન સ્ટીક્સ બાદ હવે તપાસ દરમિયાન પોલીસને વધુ એવી સામગ્રી મળી આવી છે જેનાથી મોટો વિસ્ફોટ કરી શકાય તેમ હતો. પોલીસને ઘટનાના ત્રણ દિવસ બાદ એક પૂંઠાના ડબ્બામાંથી ઇલેક્ટ્રોનિક સર્કિટ અને ટાઈમર મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં પોલીસ એવી આશંકા વ્યક્ત કરી રહી છે કે આરોપીઓ બોમ્બને એસેમ્બલ (જોડવામાં) નિષ્ફળ રહ્યા હોવા જોઈએ, નહિતર મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

વડાપ્રધાન 10 મેના રોજ બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશના 45મા સ્થાપના દિવસ અને શ્રી શ્રી રવિશંકરના 70મા જન્મદિવસના સમારોહમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ જ દિવસે સવારે 7 વાગ્યાની આસપાસ પોલીસને એક અજાણ્યો કોલ આવ્યો હતો જેમાં બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાની ધમકી આપવામાં આવી હતી. આ કોલના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કોરમંગલા વિસ્તારમાંથી એક શખ્સની ધરપકડ કરી હતી. જે બાદ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં પીએમના રૂટ પર કાગલીપુરા નજીકથી જિલેટીનનો ડબ્બો મળી આવ્યો હતો.

આ ઘટનાએ વર્ષ 2022માં પંજાબના ફિરોઝપુરમાં થયેલી સુરક્ષામાં ચૂકની યાદ તાજી કરી દીધી છે, જ્યારે પીએમનો કાફલો ફ્લાયઓવર પર 20 મિનિટ સુધી રોકાઈ ગયો હતો. વડાપ્રધાનની સુરક્ષા અત્યંત સંવેદનશીલ ગણાય છે અને તેની જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) સંભાળે છે. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રચાયેલું SPG અત્યાધુનિક હથિયારો અને ક્લોઝ-કોમ્બેટ તાલીમથી સજ્જ હોય છે, તેમ છતાં બેંગલુરુમાં પીએમના કાફલાના રસ્તે વિસ્ફોટક સામગ્રી મળવી એ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે.

પીએમ મોદી આ કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકર સાથે હાજર રહ્યા હતા અને તેમણે અહીં આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં 'ધ્યાન મંદિર' નું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં 182 થી વધુ દેશોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પીએમએ પૂજા-અર્ચના કરવાની સાથે માનસિક સ્વાસ્થ્ય અને ગ્રામીણ વિકાસની અનેક યોજનાઓ પણ લોન્ચ કરી હતી. એક તરફ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો, ત્યારે બીજી તરફ વિસ્ફોટકો મળતા સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આ મામલે ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે.

હાલમાં પોલીસને મળેલા ટાઈમર અને સર્કિટની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં આ કાવતરા પાછળ કોઈ મોટા સંગઠનનો હાથ છે કે કેમ તે જાણવા પ્રયાસો થઈ રહ્યા છે. પીએમની સુરક્ષામાં થયેલી આ ચૂક બાદ હવે આગામી પ્રવાસો માટે પ્રોટોકોલ વધુ કડક કરવામાં આવે તેવી શક્યતા છે. SPG માં હાલમાં 3000 થી વધુ જવાનો છે જેઓ કેબિનેટ સચિવાલયને રિપોર્ટ કરે છે, ત્યારે આટલી ચુસ્ત સુરક્ષા વચ્ચે વિસ્ફોટકો રૂટ પર કેવી રીતે પહોંચ્યા તે એક મોટો પ્રશ્ન છે.