Loading Please Wait !!!
હદ થઈ ગઈ; રાજકોટમાં પીવાનું પાણી નહીં, સીધું ઝેર!

  • ટેક્સના પૈસા ક્યાં જાય છે? રાજકોટમાં દૂષિત પાણીનો સિલસિલો યથાવત
  • પાણીના નમૂના સતત નિષ્ફળ જવાબદાર કોણ?
  • મહાપાલિકાનો શરમજનક કાંડ : ટેક્સ લઈને લોકોને ઝેર પીવડાવે છે
  • આ છે રાજકોટ મોડલ ? : આરોગ્ય સાથે ખુલ્લો ખેલ : મનપા બેફામ

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શુદ્ધ અને ક્લોરિનયુક્ત પાણી પહોંચાડવાના દાવાઓ વચ્ચે અનેક વિસ્તારોમાં પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળવાની ગંભીર સમસ્યા સામે આવી છે. શહેરના સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના વિસ્તારોમાંથી મળેલી ફરિયાદો બાદ લેવામાં આવેલા પાણીના નમૂનાઓ પૈકી ૧૩ સ્થળોના સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટમાં ફેલ જાહેર થયા છે. જોકે, તંત્રએ તમામ સ્થળોએ યુદ્ધના ધોરણે સમારકામ કરી દીધું હોવાનો દાવો કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ મહાપાલિકાની વોટરવર્કસ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી પાણીના નમૂના મેળવી તેનું પરીક્ષણ કરવામાં આવે છે. ગત એપ્રિલ માસ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર એપ્રિલ મહિનામાં શહેરના ત્રણેય ઝોનમાં કુલ ૮૧૪૭ સ્થળોએ પાણીના ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૨૦૭ સ્થળોએ પાણીના બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ અને ૨૯ સ્થળોએ કેમિકલ પેરામીટર્સની ચકાસણી માટે લેબોરેટરી ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. આ સઘન ચેકિંગ દરમિયાન ૧૩ સ્થળોએ પાણીમાં જોખમી બેક્ટેરિયાની હાજરી મળી આવી હતી, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં પીવાના પાણી સાથે ડ્રેનેજ લાઈનનું દૂષિત પાણી ભળી રહ્યું હતું.

તંત્ર દ્વારા આ નમૂનાઓ તારીખ ૧, ૨, ૧૦ અને ૧૬ એપ્રિલના રોજ લેવામાં આવ્યા હતા. રિપોર્ટ નેગેટિવ આવતાની સાથે જ વોટરવર્કસ શાખા અને ડ્રેનેજ વિભાગની ટીમો દ્વારા જે-તે સ્થળે લાઈન લિકેજ શોધવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, મોટાભાગના કિસ્સાઓમાં પીવાના પાણીની લાઈન અને ડ્રેનેજ લાઈન નજીક હોવાથી અથવા જૂની પાઈપલાઈનમાં ભંગાણ પડવાથી આ પ્રકારની સમસ્યા સર્જાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને દરરોજ નિયમિત ૨૦ મિનિટ પાણી આપવામાં આવે છે. આ પાણી શુદ્ધ હોય તે માટે દર મહિને સરેરાશ ૬૫૦૦થી ૭૦૦૦ જેટલા નમૂનાઓ લેવામાં આવે છે, પરંતુ એપ્રિલ માસમાં આ સંખ્યા વધારીને ૮૧૪૭ કરવામાં આવી હતી.

મનપા દ્વારા પાણીની શુદ્ધતા ચકાસવા માટે જ દર મહિને ૧-૭ હજાર નમૂનાઓ લેવામાં આવે છે. ગત એપ્રિલ મહિનામાં ૮૧૪૭ નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જે પૈકી વૈશાલીનગર, મનહરપ્લોટ, કરણપરાની સાથે જ પંચશીલ સોસાયટી મળીને કુલ ૧૩ સેમ્પલ ફેલ થયા હતા, જેને પગલે આ તમામ વિસ્તારમાં લાઈન લિકેજ શોધવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. એટલું જ નહીં તમામ સ્થળે જરૂરી સમારકામ કરી ફરીથી સેમ્પલ લેવાયા હતા, જેમાં પાણી સંપૂર્ણપણે શુદ્ધ હોવાનું હાલ સામે આવ્યું છે. ત્યારે લોકોએ ગભરાવાની નહીં, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે.

કયા વિસ્તારોમાં પાણી દૂષિત મળ્યું?

  • વૈશાલીનગર (વોર્ડ-૮): શેરી નંબર ૩માં સૌથી વધુ ૪ સ્થળોએ નમૂના ફેલ થયા.
  • પંચશીલ સોસાયટી (વોર્ડ-૧૩): અહીં પણ ૪ મળીને કુલ ૪ સ્થળોએ દૂષિત પાણી મળ્યું.
  • મનહર પ્લોટ (વોર્ડ-૭): શેરી નંબર ૨ અને ૮ મળીને કુલ ૪ સ્થળોએ દૂષિત પાણી મળ્યું.
  • કરણપરા (વોર્ડ-૭): શેરી નંબર ૯/૮ ના ખૂણે ૧ સ્થળ પર સેમ્પલ ફેલ થયું.