Loading Please Wait !!!
પાકિસ્તાનની બેવડી નીતિનો પર્દાફાશ: ઈરાની સૈન્ય વિમાનોને એરબેઝ પર આપી આશરો

  • સેટેલાઇટ તસવીરોમાં પોલ ખુલી; ‘નૂર ખાન એરબેઝ’ પર ઈરાનનું C-130 વિમાન દેખાયું
  • અમેરિકન હુમલાથી બચવા ઈરાની વિમાનો પાક. એરબેઝ પર છુપાયા; વિશ્વભરમાં ફજેતી
  • સીનેટર લિન્ડસે ગ્રાહમે પાકિસ્તાન પર વિશ્વાસ ન કરવા આપી સલાહ; ઈઝરાયલ વિરોધી વલણ છતું થયું

સિટી ન્યુઝ @  વોશિંગ્ટન

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ તણાવની વચ્ચે પાકિસ્તાનની એક મોટી બેવડી નીતિનો પર્દાફાશ થયો છે. એક તરફ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાને બંને દેશો વચ્ચેના શાંતિદૂત તરીકે રજૂ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ તે ઈરાની સૈન્ય વિમાનોને અમેરિકાના હુમલાથી બચાવવા માટે ગુપ્ત રીતે આશરો આપી રહ્યું હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. સેટેલાઇટ તસવીરો દ્વારા પુષ્ટિ થઈ છે કે પાકિસ્તાનના હાઈ-પ્રોફાઈલ 'નૂર ખાન એરબેઝ' પર ઈરાની વાયુસેનાનું C-130 સૈન્ય વિમાન હાજર હતું.

આ સનસનીખેજ ખુલાસા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બચાવમાં ઉતરવું પડ્યું છે. મંત્રાલયે ઈરાની સૈન્ય વિમાનોને આશરો આપવાની વાત નકારી કાઢી છે, પરંતુ એ સ્વીકાર્યું છે કે રાજદ્વારીઓ અને સુરક્ષા ટીમોની અવરજવર માટે ઈરાની અને અમેરિકન વિમાનોએ પાકિસ્તાનના એરસ્પેસ અને એરબેઝનો ઉપયોગ કર્યો હતો. જોકે, સંરક્ષણ નિષ્ણાતો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો આ માત્ર રાજદ્વારી મુલાકાત હતી, તો RC-130 જેવા સંવેદનશીલ જાસૂસી અને સૈન્ય વાહક વિમાનોને સૈન્ય મથક પર આટલા લાંબા સમય સુધી કેમ રાખવામાં આવ્યા હતા.

આ ઘટનાની સીધી અસર અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો પર જોવા મળી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિકટના ગણાતા સીનેટર લિન્ડસે ગ્રાહમે પાકિસ્તાનની મધ્યસ્થી ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાન હંમેશા ઈઝરાયલ વિરોધી માનસિકતા ધરાવતું આવ્યું છે, તેથી ઈરાન જેવી બાબતોમાં તેની પર વિશ્વાસ કરવો એ જોખમી સાબિત થઈ શકે છે. અમેરિકન સુરક્ષા એજન્સીઓ પણ માની રહી છે કે પાકિસ્તાન ઈરાન સાથેની મંત્રણાની સાચી વિગતો શેર કરવામાં પ્રામાણિક નથી.

સીએનએનના અહેવાલ મુજબ, અમેરિકન અધિકારીઓનું માનવું છે કે પાકિસ્તાન જાણીજોઈને ઈરાનના વલણને હકીકત કરતા વધુ સકારાત્મક અને નરમ બતાવી રહ્યું છે, જેથી અમેરિકાને ગેરમાર્ગે દોરી શકાય. આ એક સુનિયોજિત વ્યૂહનીતિ હોઈ શકે છે જેનો હેતુ અમેરિકાને ઈરાન સામે નરમ પાડવાનો છે. પાકિસ્તાનના આ ‘ડબલ ગેમ’ ના કારણે હવે ઈઝરાયલ અને અમેરિકા જેવા સાથી દેશો પાકિસ્તાનની હલચલ પર બાજ નજર રાખી રહ્યા છે.

વૈશ્વિક દબાણ વધતા હવે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ફજેતી થઈ રહી છે. ઈંધણ અને પરમાણુ વિવાદને લઈને જ્યારે આખી દુનિયા પશ્ચિમ એશિયા તરફ નજર માંડીને બેઠી છે, ત્યારે પાકિસ્તાન દ્વારા ઈરાનને કરવામાં આવેલી આ છૂપી સૈન્ય મદદ તેને અમેરિકાથી મળતી આર્થિક સહાયમાં પણ વિઘ્ન લાવી શકે છે. આગામી દિવસોમાં આ મામલે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા પાકિસ્તાન સામે કડક વલણ અપનાવવામાં આવે તેવા એંધાણ મળી રહ્યા છે.