અમેરિકા હુમલો કરશે તો ઇરાન પરમાણુ બોમ્બ બનાવશે: તહેરાનની ખુલ્લી ધમકી
- 60 ટકા યુરેનિયમને 90 ટકા સુધી સંવર્ધિત કરવાની તૈયારી; ઇબ્રાહિમ રેજાઇનું વિવાદાસ્પદ નિવેદન
- 400 કિલોગ્રામ યુરેનિયમનો જથ્થો દુનિયા માટે ચિંતાનો વિષય; અમેરિકા અને ઇરાન વચ્ચે મડાગાંઠ
- રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડોએ બુબિયન ટાપુમાં ઘૂસણખોરી કરી હોવાનો કુવૈતનો આક્ષેપ
સિટી ન્યુઝ @ તહેરાન
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે ઇરાને વિશ્વને ચોંકાવી દે તેવી ધમકી આપી છે. ઇરાનની સંસદના પ્રવક્તા ઇબ્રાહિમ રેજાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો અમેરિકા હવે ઇરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરશે, તો તેના જવાબમાં ઇરાન પરમાણુ બોમ્બ બનાવવાની દિશામાં આગળ વધશે. ઇરાને ચેતવણી આપી છે કે તેની પાસે હાલમાં ઉપલબ્ધ 60 ટકા સંવર્ધિત યુરેનિયમને તે માત્ર ગણતરીના સમયમાં 90 ટકા સુધી સંવર્ધિત કરીને પરમાણુ શસ્ત્રો તૈયાર કરી લેશે. આ જાહેરાત બાદ વૈશ્વિક જાસૂસી એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
અમેરિકાની જાસૂસી એજન્સીઓના રિપોર્ટ અનુસાર, ઇરાન પાસે હાલમાં 60 ટકા સંવર્ધિત આશરે 400 કિલોગ્રામ યુરેનિયમનો જથ્થો છે. જો આ ભંડારને દૂર કરવામાં નહીં આવે તો ઇરાન ટૂંક સમયમાં પરમાણુ ક્ષમતા હાંસલ કરી શકે છે. ઇરાનની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિફે અમેરિકાને આડે હાથ લેતા કહ્યું કે, અમેરિકાએ ઇરાનની પ્રજાના અધિકારોને સ્વીકારવા માટે અમારા 14 સૂત્રીય પ્રસ્તાવને માનવો જ પડશે. જો અમેરિકા આમાં વિલંબ કરશે, તો તેની ભારે કિંમત અમેરિકન કરદાતાઓએ ચૂકવવી પડશે.
બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના શાંતિ પ્રસ્તાવને અત્યંત નકારાત્મક ગણાવતા તેને 'કચરા પેટી' યોગ્ય કહીને ફગાવી દીધો છે. ટ્રમ્પના આ કડક વલણને કારણે મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થપાવાની આશા નહિવત દેખાઈ રહી છે. આ દરમિયાન, પાકિસ્તાને તેના નૂરખાન એરબેઝ પર ઇરાની લશ્કરી વિમાનોને અમેરિકન હુમલાથી બચવા માટે આશરો આપ્યો હોવાના અહેવાલે વરુમાં હોળી જેવી સ્થિતિ સર્જી છે. અમેરિકા આ બાબતે અત્યંત ક્રોધિત છે અને પાકિસ્તાનના ખુલાસાઓને લાદેન વખતના અનુભવને જોતા નકારી રહ્યું છે.
આ પ્રાદેશિક તણાવમાં હવે કુવૈત પણ કૂદી પડ્યું છે. કુવૈતે ગંભીર આક્ષેપ કર્યો છે કે ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડોની એક ટુકડીએ પર્સિયન ગલ્ફમાં આવેલા તેના બુબિયન ટાપુ પર કબજો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. જોકે, ઇરાને આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. આ સ્થિતિને જોતા ઇઝરાયેલે સંયુક્ત આરબ અમીરાત (UAE) ની સુરક્ષા વધારવા માટે પોતાની અત્યાધુનિક ‘આયર્ન ડોમ’ એર ડિફેન્સ સિસ્ટમની બેટરીઓ અને તાલીમ પામેલા સૈનિકોને ત્યાં મોકલ્યા છે.
વૈશ્વિક સ્તરે પણ ઇરાન પર દબાણ વધી રહ્યું છે. બ્રિટને યુકેમાં કાર્યરત ઇરાન સમર્થિત વ્યક્તિઓ અને કંપનીઓ પર આકરા પ્રતિબંધો લાદ્યા છે. આ દરમિયાન, બહેરીને પણ ઇરાન માટે જાસૂસી કરવાના આરોપ હેઠળ બે ડઝનથી વધુ લોકોને કડક સજા ફટકારી છે. આમ, એક તરફ ઇરાન પરમાણુ શસ્ત્રોની ધમકી આપી રહ્યું છે અને બીજી તરફ પાડોશી દેશો અને પશ્ચિમી દેશો સાથેના તેના સંબંધો અત્યંત સ્ફોટક વળાંક પર પહોંચી ગયા છે. હવે સમગ્ર વિશ્વની નજર અમેરિકાના આગામી પગલા પર ટકેલી છે.