Loading Please Wait !!!
પેસિફિક મહાસાગરમાં એકસાથે 3 ચક્રવાત સક્રિય: 241 કિમીની ઝડપે તોળાઈ રહ્યો છે વિનાશ

 

  • હરિકેન લોવેલ કેટેગરી 4 સાથે સૌથી ખતરનાક, દરિયાકાંઠે રિપ કરંટ અને ઊંચા મોજાંનો ખતરો

  • અલ નીનોની સ્થિતિ રેકોર્ડ સ્તરે મજબૂત બનતાં પેસિફિકમાં વાવાઝોડાંઓની હારમાળા સર્જાઈ

  • હરિકેન કરીના અને મેરી કેટેગરી 1 માં ફેરવાયા, આગામી દિવસોમાં નબળા પડવાની શક્યતા

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

પેસિફિક મહાસાગરમાં એકસાથે 3 શક્તિશાળી ચક્રવાતી વાવાઝોડાં સક્રિય થતાં મેક્સિકોથી લઈને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના દરિયાકાંઠા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. આશરે 1 દાયકા બાદ પેસિફિક મહાસાગરમાં આ પ્રકારની અસામાન્ય અને વિનાશક હવામાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલું જ નહીં, આ ત્રણ હરિકેનની પાછળ-પાછળ ચોથું વાવાઝોડું પણ ઝડપથી આકાર લઈ રહ્યું હોવાથી વૈશ્વિક હવામાન નિષ્ણાતોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, પેસિફિક મહાસાગરમાં એકાએક વધેલી આ ચક્રવાતી સક્રિયતા પાછળ 'અલ નીનો' ની અત્યંત મજબૂત સ્થિતિ મુખ્ય કારણ છે. હાલ સક્રિય ત્રણ વાવાઝોડાં પૈકી હરિકેન 'લોવેલ' સૌથી વધુ ખતરનાક અને શક્તિશાળી સાબિત થઈ રહ્યું છે. કેટેગરી 4 માં સ્થાન પામેલા આ વાવાઝોડામાં પવનની મહત્તમ ઝડપ આશરે 241 કિલોમીટર પ્રતિકલાક નોંધવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે લોવેલ આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં તબાહી મચાવશે અને તેના લીધે સમુદ્રમાં અત્યંત ઊંચા મોજાં તેમજ જીવલેણ રિપ કરંટની સ્થિતિ પેદા થશે, જેના પગલે હવાઈ દ્વીપસમૂહમાં ટ્રોપિકલ સ્ટોર્મ વોચ જાહેર થઈ શકે છે.

બીજી તરફ, આ શ્રેણીનું બીજું વાવાઝોડું હરિકેન 'કરીના' હવે ધીમે-ધીમે નબળું પડીને કેટેગરી 1 નું તોફાન બની ગયું છે. કરીના હાલ હવાઈના હિલોથી આશરે 800 માઇલ પૂર્વમાં સ્થિત છે અને 120 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી સપ્તાહની શરૂઆત સુધીમાં કરીના સમુદ્રમાં જ સંપૂર્ણપણે વિખેરાઈ જશે અને તેનાથી જમીની વિસ્તારો પર કોઈ મોટો ખતરો રહેવાની શક્યતા નહિવત્ છે.

આ સિવાય ત્રીજું વાવાઝોડું હરિકેન 'મેરી' પણ હાલ કેટેગરી 1 માં સામેલ છે, જે 14 કિલોમીટર પ્રતિકલાકની ધીમી ઝડપે આગળ વધી રહ્યું છે અને તે પણ ક્રમશઃ નબળું પડશે. જોકે, સૌથી મોટો ભય સમુદ્રમાં આકાર લઈ રહેલી ચોથી નવી વેધર સિસ્ટમને લઈને ઊભો થયો છે. દક્ષિણ-પશ્ચિમ મેક્સિકોના દરિયાકાંઠે સક્રિય આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં 10 થી 15 માઇલ પ્રતિકલાકની ગતિએ આગળ વધી રહી છે.

હવામાન વિભાગે આ ચોથી સિસ્ટમના વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના 60 ટકા જેટલી દર્શાવી છે. જો આ સિસ્ટમ તોફાનનું રૂપ ધારણ કરશે તો તેને 'નોર્બર્ટ' નામ આપવામાં આવશે. અગાઉ વર્ષ 2015 માં પેસિફિક સમુદ્રમાં એકસાથે કિલો, ઇગ્નાસિયો અને જિમેના નામના ત્રણ કેટેગરી 4 ના વાવાઝોડાં નોંધાયા હતા, જે બાદ હવે ફરીથી સમુદ્રમાં સર્જાયેલી આ ત્રિપુટીએ તંત્રની ઊંઘ હરામ કરી દીધી છે.

પેસિફિકમાં એકસાથે 3 ચક્રવાત સક્રિય

પેસિફિક મહાસાગરમાં એક દાયકા બાદ એકસાથે 3 હરિકેન સક્રિય થતાં ખતરો વધ્યો છે. કેટેગરી 4 નું હરિકેન 'લોવેલ' 241 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યું છે, જ્યારે કરીના અને મેરી નબળા પડી રહ્યા છે. ચોથી સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાય તો 'નોર્બર્ટ' નામ અપાશે. અલ નીનોની અસરે દરિયાકાંઠાના દેશોમાં ભારે વિનાશની ચેતવણી આપી છે.