Loading Please Wait !!!
પેરિસમાં એફિલ ટાવર ખાતે BAPS ના સાધુઓની મુલાકાત વેળાએ મહિલા કર્મચારીઓને હટાવાતાં વિવાદ

 

  • અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ પંથના નવા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સેંકડો સાધુઓ પહોંચ્યા

  • શનિવારે સાધુઓની મુલાકાત દરમિયાન એફિલ ટાવરમાંથી મહિલા સ્ટાફને હટાવી પુરુષ કર્મચારીઓ મુકાયા

  • સોમવારે કર્મચારી સંગઠને બેઠક યોજી વિરોધ નોંધાવતા એફિલ ટાવર પ્રવાસીઓ માટે વિલંબથી ખોલવામાં આવ્યો

સિટી ન્યુઝ @ પેરિસ

ફ્રાન્સના પાટનગર પેરિસમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના નવા ભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે હવે એક મોટો વિવાદ જોડાઈ ગયો છે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે ભારત અને ખાસ કરીને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં BAPS ના સાધુઓ પેરિસ પહોંચ્યા હતા. શનિવારના રોજ આ સાધુઓના સમૂહ દ્વારા વિશ્વ વિખ્યાત એફિલ ટાવરની મુલાકાત લેવામાં આવી હતી, જે દરમિયાન ઉદ્ભવેલી પરિસ્થિતિને લઈને ભારે હોબાળો મચી ગયો છે.

અહેવાલો મુજબ, સાધુઓનો મોટો સમૂહ જ્યારે એફિલ ટાવરની મુલાકાતે પહોંચ્યો, ત્યારે ટાવરના સંચાલકો દ્વારા ડ્યુટી પર હાજર મહિલા કર્મચારીઓને તેમની ફરજ પરથી હટાવી દેવામાં આવી હતી. સાધુઓ જ્યાં સુધી ટાવર સંકુલમાં હાજર રહ્યા ત્યાં સુધી મહિલા કર્મચારીઓને ડ્યુટી પર ન આવવા સૂચના આપવામાં આવી હતી અને તેમના સ્થાને ફક્ત પુરુષ કર્મચારીઓને જ ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવતા જ સ્થાનિક કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે, સોમવારે એફિલ ટાવરના કર્મચારી સંગઠને તાત્કાલિક બેઠક યોજીને સખત વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન અને હડતાળના કારણે એફિલ ટાવર સામાન્ય પ્રવાસીઓ માટે ખુલવામાં પણ નોંધપાત્ર વિલંબ થયો હતો. સંચાલકોએ એક જાહેર નોટિસ લગાવીને જણાવ્યું હતું કે 'સંચાલન સંબંધી કારણોસર' ટાવર વિલંબથી ખુલશે. જોકે, કર્મચારીઓનો આક્રોશ જોતા અંતે એફિલ ટાવરનું સંચાલન કરતી કંપનીએ સત્તાવાર માફી માંગવી પડી હતી અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય તેવી ખાતરી આપી હતી.

આ વિવાદ વધુ વકરતાં પેરિસ શહેરના મેયરે પણ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અને મહિલા કર્મચારીઓને ફરજ પરથી હટાવવા અંગે સત્તાવાર તપાસના આદેશ આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે યોજાયેલા ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. સાધુઓનું મોટું પ્રતિનિધિમંડળ હોવાથી તેમને એફિલ ટાવરમાં પ્રવેશ માટે વિશેષ પ્રાથમિકતા પણ આપવામાં આવી હતી, જેના લીધે અન્ય સામાન્ય સહેલાણીઓને કલાકો સુધી રાહ જોવી પડી હતી.

અમારો ઈરાદો કોઈને તકલીફ આપવાનો ન હતો : BAPS ની સ્પષ્ટતા આ સમગ્ર ઘટનાક્રમ અને વિવાદ બાદ BAPS સંસ્થાએ એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે. સંસ્થાએ જણાવ્યું છે કે તેઓ આ અંગે ઉઠાવાયેલી તમામ ચિંતાઓનું સન્માન કરે છે અને તેને ગંભીરતાથી લે છે. એફિલ ટાવરની આ મુલાકાત સંચાલકો સાથે મળીને પહેલેથી જ નિશ્ચિત કરવામાં આવી હતી અને તેનો મુખ્ય હેતુ અન્ય પર્યટકોને ઓછામાં ઓછી પરેશાની થાય તે જોવાનો હતો. સંસ્થાએ કહ્યું કે, "અમારી જાણકારી મુજબ કોઈને પ્રવેશનો ઈન્કાર કરાયો નથી. આ પરિસ્થિતિથી જેઓને તકલીફ પડી હોય તે તમામની અમે દિલથી માફી માંગીએ છીએ. સંગઠન પરસ્પર સન્માન અને સાર્વભૌમ મૂલ્યો પ્રત્યે કટિબદ્ધ છે." જોકે, સંસ્થાએ મહિલા કર્મચારીઓને હટાવવાના વિવાદ પર મૌન સેવ્યું છે.

પેરિસમાં BAPS સાધુઓની મુલાકાત સમયે વિવાદ

પેરિસમાં BAPS ના નવા મંદિરના મહોત્સવમાં ગયેલા સાધુઓએ એફિલ ટાવરની મુલાકાત લેતા વિવાદ સર્જાયો હતો. સાધુઓના આગમન સમયે મહિલા કર્મચારીઓને ફરજ પરથી હટાવી લેવાતા કર્મચારી સંગઠને વિરોધ કરી ટાવર બંધ રખાવ્યો હતો. મેયરે તપાસના આદેશ આપ્યા છે, જ્યારે BAPS સંસ્થાએ માફી માંગીને સ્પષ્ટતા કરી છે.