લોધિકા સંઘની ચૂંટણીના રિઝલ્ટ બાદ જૂથવાદના લબકારા લાલચોળ દેખાશે
મતદાન પૂર્ણ; ચૂંટણીમાં ભાજપના વ્હીપ વચ્ચે ૨૧માંથી ૨૦નું મતદાન
શૈલેષ પરસાણાએ મતદાન ન કર્યું, રાદડિયા જૂથના હોવાથી બંગલોમાં બેસાડી રાખ્યાની ચર્ચા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ લોધિકા સહકારી સંઘની હાઈવોલ્ટેજ ચૂંટણીમાં આજે પાંચ બેઠક માટે ૬૫.૨૩ ટકા મતદાન થયું હતું. કુલ પાંચ પૈકી ચાર બેઠકોમાં ૧૦૦ ટકા મતદાન થયું હતું, જ્યારે કોઠારીયા- ખોપડદળ બેઠકમાં રાજકોટ મહાપાલિકાના ભાજપના વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર ભારતીબેનના પતિ શૈલેષભાઈ પરસાણા મતદાર હતા પરંતુ તેમણે મતદાન નહીં કરતા કોઠારીયા ખોપડદળ બેઠક ઉપર ૭૫ ટકા મતદાન નોંધાયું હતું.રાજકોટ-લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં કુલ ૧૫ પૈકી ૧૦ બેઠકો બિનહરીફ થયા બાદ આજે પાંચ બેઠકો માટે મતદાન શરૂ કરાયું છે.
ભાજપે વિપ જાહેર કરીને પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાં પક્ષ દ્વારા કૂવાડવા જૂથ બેઠક પરથી અરવિંદ રૈયાણી, માધાપર જૂથ બેઠક પરથી પૃથ્વીસિંહ (ધોધુબા) જાડેજા, ખોપડદડ જૂથ બેઠક પરથી બાબુ નસીત, ત્રંબા જૂથ બેઠક પરથી નિતીન રૈયાણી, હલેન્ડા જૂથ બેઠકથી મહેશ આસોદરીયા સહિતના નામો જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી કાર્યક્રમ મુજબ, આજે સવારે ૮થી બપોરે બે વાગ્યા સુધી મતદાન
થયું હતું જેમાં ૬૫.૨૩ ટકા મતદાન નોંધાયું હતું. હવે આવતીકાલે તા.૯ સપ્ટેમ્બરના રોજ સવારે ૯ વાગ્યાથી મતગણતરી શરૂ કરી ફાઇનલ રિઝલ્ટ જાહેર કરાશે.
પાંચ બેઠકો માટે કુલ ૧૦ ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે રા.લો.સંઘમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોયાટ વચ્ચે રાજકીય જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ દ્વારા અપાયેલા મૌખિક મેન્ડેટોને ઉલાળીઓ કરીને રાદડિયા જૂથના ઉમેદવારોએ બળવો કરીને ઉમેદવારી નોંધાવતા ચૂંટણી યોજવાની નોબત આવી હતી. છેલ્લા એક પખવાડિયાથી આ ચૂંટણીને લઈને ખેલાઈ રહેલા દાવપેચથી સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં કોઠારીયા બેઠકના મતદાર શૈલેષભાઈ પરસાણા ને છેવટ સુધી જિલ્લા પંચાયત પ્રમુખના બંગલો ખાતે બેસાડી રાખવામાં આવ્યા હોવાની ચર્ચા છે. તેઓ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા જૂથ તરફ મતદાન કરે તેવી શંકા હોય અપવું બનવું હોવાનું ચર્ચાતું હતું. મતદાન માટે છેવટ સુધી દાવપેચ ખેલાયા હતા.
કઈ બેઠક ઉપર કેટલું મતદાન ?
મોટામવા-માધાપર ગ્રુપ બેઠક
વિજયભાઈ કોરાટ ( મોટા મવા)
લક્ષ્મણભાઈ વિરાણી ( રામનગર)
વિજયભાઈ સખીયા ( રૈયા)
પૃથ્વીસિંહ જાડેજા ( માધાપર)
ભૂપેન્દ્રસિંહ જાડેજા (વાજડીગઢ)
૧૦૦ ટકા મતદાન
કૂવાડવા ગ્રુપ બેઠક
અરવિંદભાઈ રૈયાણી ( કૂવાડવા)
નીતિન ચોવટીયા (ખીજડીયા)
મહેશભાઈ ખીચાણી ( રાણપુર)
હરેશ પાનસુરીયા (જીયાના)
૧૦૦ ટકા મતદાન
કસ્તુરબા ધામ ત્રંબા ગ્રુપ
નીતિનભાઈ રૈયાણી ( ત્રંબા)
ભૂપતસિંહ જાડેજા (ઢાંઢણી)
પંકજભાઈ ગઢિયા (ગઢકા)
અનિરુદ્ધસિંહ જાડેજા ( વડાળી)
૧૦૦ ટકા મતદાન
પાડાસણ-હલેન્ડા ગ્રુપ
મહેશભાઈ આસોદરીયા (પાડાસણ)
ધીરુભાઈ રોકડ (હલેન્ડા)
રામભાઈ જર્જું (હલેન્ડા)
ધનશ્યામભાઈ મેતા (ઉમરાણી)
૧૦૦ ટકા મતદાન
કોઠારીયા - ખોપડદળ ગ્રુપ
બાબુભાઈ નસિત (ખોપડદળ)
હરજીભાઈ પીપળીયા (ખેરડી)
ગૌરવસિંહ જાડેજા (છેબચડા)
૭૫ ટકા મતદાન