બોટાદ પોલીસ 1 કરોડના તોડકાંડનો રેલો ગાંધીનગર સુધી, કોળી સમાજ આંદોલનના મૂડમાં
- કોળી યુવાનને ઓનલાઈન ગેમિંગમાં પકડી તોડ કર્યાની ચર્ચાએ રાજકારણ ગરમાવી દીધું
- ભાજપ નેતાએ આંગડિયાથી 60 લાખ લીધાનો ઉમેશ મકવાણાનો દાવો
સિટી ન્યૂઝ@બોટાદ
બોટાદ જિલ્લાના કાળીયાડ ગામના કોળી સમાજના યુવાનો સાથે પોલીસ અને રાજકીય નેતાઓની મિલીભગતી કરોડો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ સનસનાટીભર્યા આરોપ લગાવતા જણાવ્યું છે કે, પોલીસ દ્વારા કલ્પેશભાઈ મીઠાપરા સહિત ત્રણ યુવાનોને ગેરકાયદે ઉઠાવી જઈને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આ યુવાનો પાસેથી ૧ કરોડથી વધુની ખંડણી વસૂલવા દબાણ કરાયું હતું. જેમાં જિલ્લા ભાજપના એક કદાવર નેતાની સંડોવણી હોવાનો અને આંગડિયા મારફતે ૬૦ લાખ રૂપિયા જેવી લેવાયા હોવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં અને પીડિત યુવાનોને ન્યાય અપાવવા માટે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ દ્વારા બોટાદ સર્કિટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સમાજના રાજકીય-સામાજિક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી આગળની રણનીતિ નક્કી કરશે.
ધારાસભ્ય અને સમાજની મુખ્ય માંગણીઓ
સમગ્ર ઘટનાની તટસ્થ, નિષ્પક્ષ અને તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવે. જો ભાજપના હોદ્દેદારી સંડોવણી સાબિત થાય તો તેમને ત્વરિત હોદ્દા પરથી દૂર કરવામાં આવે. તોડ કાંડમાં સામેલ પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ સામે કડક ગુનાહિત કાર્યવાહી થાય.સમગ્ર વિગત સાથે ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ કહ્યું...
જે સાચું હશે તે બહાર આવશે
બોટાદમાં ચર્ચામાં આવેલા કથિત રૂ.૧ કરોડના તોડકાંડ મામલે હવે ધંધુકાના ધારાસભ્ય અને ગુજરાત કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ ડાભીની પ્રતિક્રિયા સામે આવી છે. આ સમગ્ર મામલો કોળી સમાજના એક યુવક સાથે કથિત રીતે તોડકાંડ થયો હોવાના આરોપોને લઈને ચર્ચામાં આવ્યો છે. બોટાદમાં ભાજપની બેઠક દરમિયાન આ મામલે ધારાસભ્ય કાળુભાઈ ડાભીને સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે સમગ્ર ઘટનાને લઈને સ્પષ્ટપણે કહ્યું છે કે, “જે સાચું હશે તે બહાર આવશે.” કથિત તોડકાંડ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં કાળુભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, જો સમગ્ર મામલે જે વાત સામે આવી રહી છે તેમાં સત્ય હશે તો તેઓ સાચી વાતની સાથે ઊભા રહેશે. ધારાસભ્યએ કહ્યું કે, “સાચી વાતમાં હું ચોક્કસ સાથે રહીશ.” તેમના આ નિવેદન બાદ કથિત તોડકાંડના મામલે રાજકીય સ્તરે પણ ચર્ચા વધુ તેજ બની છે. કાળુભાઈ ડાભીએ વધુમાં જણાવ્યું હતું કે સમાજ પોતાની રીતે જે યોગ્ય હશે તે કામ કરશે. જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ સત્યની સાથે રહેશે. આ મામલે ધારાસભ્યએ વધુ વિગતો જાહેર કરવાનું ટાળ્યું હતું. એટલે કે કથિત તોડકાંડ પાછળની હકીકત શું છે અને સમગ્ર ઘટનામાં કોની ભૂમિકા છે, તે અંગે હાલ અનેક સવાલો ઊભા થયા છે.
તપાસ બાદ હકીકત સામે આવવાની રાહ
બોટાદના કથિત રૂ.૧ કરોડના તોડકાંડ મામલે હાલમાં સમગ્ર ઘટનાની હકીકત શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે તેમ છે. બીજી તરફ, કોળી સમાજના યુવક સાથે કથિત રીતે તોડકાંડ થયો હોવાના આરોપને લઈને સમાજમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ આ મામલે કોઈ પક્ષનો બચાવ કરવાને બદલે “જે સાચું હશે તે બહાર આવશે” કહીને પોતાની વાત ટૂંકામાં રજૂ કરી છે. હવે તપાસ આગળ વધે તેમ કથિત તોડકાંડ અંગેના આરોપોમાં કેટલું તથ્ય છે અને સમગ્ર મામલાની વાસ્તવિકતા શું છે, તે સામે આવે તેની રાહ જોવાઈ રહી છે.