મહાપાલિકામાં 120 સફાઈ કામદારો VRS વારસદારો વેઈટિંગમાં, પોલીસ રિપોર્ટ છતાં નિર્ણય
પોલીસ તપાસ પહેલા VRS? RMCના નિર્ણય સામે યુનિયન મેદાને
120 સફાઈ કામદારોએ મેડિકલ રિપોર્ટમાં શું ગરબડ કરી છે પોલીસે મનપાને નામોનું લિસ્ટ આપવા લેટર મોકલ્યો અને 31મી ઓગસ્ટે નિવૃત્ત કરી દેવાયા
RMCના ઇતિહાસમાં પહેલીવાર VRS બાદ વારસદારોને હજુ સુધી નોકરી લેવાની પ્રક્રિયા કરી નથી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સફાઈ કામદારોને અપાયેલા સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS)ના નિર્ણયને લઈને વિવાદ વધ્યો છે. પોલીસનો રિપોર્ટ ૨૯ ઓગસ્ટે આવ્યા બાદ પણ આશરે ૧૨૦ સફાઈ કામદારોને નિવૃત્ત કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે રાજકોટ કામદાર યુનિયને સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઉઠાવ્યા છે.યુનિયનની જણાવ્યા મુજબ, કર્મચારીઓની બીમારી અને શારીરિક અશક્તતાના આધારે VRSની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રજૂ કરવામાં આવેલા મેડિકલ સર્ટિફિકેટ, મેડિકલ રિપોર્ટ અને અગાઉની બીમારીની હિસ્ટ્રીની યોગ્ય ચકાસણી કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, આ અંગેની તપાસ અને રજૂઆતો વચ્ચે જ નિવૃત્તિના હુકમો કરી દેવામાં આવતા
કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પોલીસ રિપોર્ટ ૨૯ ઓગસ્ટે પ્રાપ્ત થયો હોવા છતાં ત્યારબાદ કર્મચારીઓને નિવૃત્ત કરવાનો નિર્ણય લેવાયો હોવાના મુદ્દે પ્રશ્નો ઉઠી રહ્યા છે. યુનિયનનો આક્ષેપ છે કે સમગ્ર પ્રક્રિયામાં જરૂરી ચકાસણી અને પારદર્શિતા જળવાઈ છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. આ મામલે વધુ એક મહત્વનો મુદ્દો એ છે કે નિવૃત્ત કરવામાં આવેલા કર્મચારીઓના વારસદારોને હજુ સુધી નિમણૂક આપવામાં આવી નથી. યુનિયનનો દાવો છે કે રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં એકસાથે આટલા કર્મચારીઓને નિવૃત્ત કર્યા બાદ પણ તેમના વારસદારોને નિમણૂક ન અપાઈ હોય તેવી સ્થિતિ પ્રથમ વખત જોવા મળી રહી છે. રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ જણાવ્યું હતું કે,
કર્મચારીઓના હક્કોને અસર કરતો નિર્ણય લેતા પહેલાં તમામ દસ્તાવેજોની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. પોલીસ રિપોર્ટ આવ્યા બાદ પણ નિવૃત્તિની કાર્યવાહી અને વારસદારોને નિમણૂક ન મળવા અંગે તેમનો તંત્ર પાસે સ્પષ્ટતા માગી છે. યુનિયને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ નિવૃત્ત કરાયેલા કર્મચારીઓ અને તેમના વારસદારોના હક્કો અંગે તાત્કાલિક નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે. જો મનપા તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં કાયદેસરના માર્ગે આંદોલન કરવાની ચીમકી રાજકોટ કામદાર યુનિયને ઉચ્ચારી છે. હવે સમય મામલે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર શું સ્પષ્ટતા કરે છે અને નિવૃત્ત કર્મચારીઓના વારસદારોની નિમણૂક અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.