Loading Please Wait !!!
યુદ્ધની અસરો સામે ભારતની ‘આર્થિક જંગ’: વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આપ્યા 5 મંત્રો

  • સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ ટાળવા અપીલ; ફરીથી ‘વર્ક ફ્રોમ હોમ’ અપનાવવા સંકેત
  • મોંઘવારી ડામવા અને વિદેશી હુંડિયામણ બચાવવા જનતાની સામૂહિક ભાગીદારી જરૂરી
  • ક્રૂડ ઓઈલના ભાવ વધતા એનર્જી કટોકટીનો ભય; ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા પણ સૂચન

સિટી ન્યુઝ @ સિકંદરાબાદ : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની ભારત પર થતી આર્થિક અસરોને ટાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશવાસીઓને અત્યંત મહત્વની અને આકરી અપીલ કરી છે. સિકંદરાબાદમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધના કારણે ઊર્જા કટોકટી અને ક્રૂડ ઓઈલના વધતા ભાવ ભારતના અર્થતંત્ર પર દબાણ વધારી રહ્યા છે. આ સ્થિતિમાં મોંઘવારી ટાળવા અને વિદેશી હુંડિયામણ બચાવવા માટે તેમણે જનતા પાસે સામૂહિક ભાગીદારીની માંગ કરી છે, જે દેશમાં પરોક્ષ રીતે 'લોકડાઉન' જેવી શિસ્તના સંકેત આપે છે.

વડાપ્રધાને દેશવાસીઓને વિનંતી કરી છે કે તેઓ આગામી એક વર્ષ સુધી સોના અને ચાંદીની ખરીદી કરવાનું ટાળે. લગ્ન કે અન્ય પ્રસંગોએ પણ સોનામાં રોકાણ ઘટાડવા તેમણે ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ કોરોના કાળની યાદ અપાવતા કહ્યું કે, "આપણે જે રીતે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન મીટિંગ્સ અને વીડિયો કોન્ફરન્સની આદત પાડી હતી, તેને ફરીથી અપનાવવાનો સમય આવી ગયો છે." બિનજરૂરી અવરજવર ઘટાડીને ઈંધણ બચાવવા માટે તેમણે ખાનગી વાહનોના બદલે મેટ્રો અને જાહેર પરિવહનનો ઉપયોગ વધારવા તેમજ કાર પુલિંગ અને ઈલેક્ટ્રિક વાહનો અપનાવવા આહવાન કર્યું છે.

વૈશ્વિક યુદ્ધોના કારણે ફર્ટિલાઈઝર અને તેલના ભાવમાં થયેલા વધારાનો ઉલ્લેખ કરતા પીએમએ લોકોને ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા અને વિદેશી પ્રવાસના બદલે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે ભારત પાસે ઓઈલના વિશાળ ભંડાર નથી, તેથી પેટ્રોલ-ડીઝલના વપરાશમાં કરકસર કરવી અનિવાર્ય છે. સપ્લાય ચેઈનમાં અવરોધો અને મોંઘવારીની અસરો સામે લડવા માટે દેશવાસીઓએ સંયુક્ત પ્રયાસો કરવા પડશે.

વડાપ્રધાનની આ અપીલને નિષ્ણાતો ભારતની 'આર્થિક સુરક્ષા' માટેની પૂર્વતૈયારી તરીકે જોઈ રહ્યા છે. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે જો જનતા આ આર્થિક અનુશાસનનું પાલન કરે, તો જ દેશનું વિદેશી હુંડિયામણ અને અર્થતંત્ર સુરક્ષિત રહી શકશે. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે જે રીતે ભારતે કોરોના સામે લડત આપી હતી, તે જ રીતે આર્થિક કટોકટી સામે પણ જનતાની ભાગીદારીથી વિજય મેળવશે.