ભારતમાં નવો લેબર કોડ લાગુ: હવે સપ્તાહમાં 3 દિવસ રજા અને 4 દિવસ કામની જોગવાઈ
- 48 કલાકનો વર્ક-લોડ યથાવત; રોજ 12 કલાક કામ કરનારને મળશે લાંબો વીકેન્ડ
- ‘પગાર’ની વ્યાખ્યા બદલાઈ; એક વર્ષની નોકરી બાદ પણ કર્મચારી ગ્રેચ્યુઈટી માટે પાત્ર
- પોષણ અને શિક્ષણ ખર્ચ આધારિત વેતન નિર્ધારણની જોગવાઈ રદ; સરકાર નવા ધોરણો નક્કી કરશે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં નવા લેબર કોડ (શ્રમ કાયદા) લાગુ કરવામાં આવ્યા છે, જે આગામી સમયમાં ભારતના રોજગાર અને કોર્પોરેટ ક્ષેત્રનું ચિત્ર સંપૂર્ણપણે બદલી દેશે. આ નવા કાયદામાં સૌથી મહત્વની જોગવાઈ સપ્તાહમાં ચાર દિવસ કામકાજ (4-Day Work Week) ની કરવામાં આવી છે. જે મુજબ, જો કોઈ કર્મચારી દિવસના 12 કલાક કામ કરે, તો તે સપ્તાહના નિર્ધારિત 48 કલાક પૂરા કરીને અઠવાડિયામાં ત્રણ દિવસ રજાનો લાભ મેળવી શકશે. જોકે, રોજમદારો માટે આઠ કલાકનો સમય નિશ્ચિત હોવાથી વધારાના કામકાજ માટે તેમને ઓવરટાઈમ આપવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.
નવા કાનૂનમાં કર્મચારીઓની સામાજિક સુરક્ષા અને આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને ગ્રેચ્યુઈટી, પ્રોવિડન્ટ ફંડ (PF) અને ઓવરટાઈમ પેમેન્ટ માટે 'પગાર'ની વ્યાખ્યા વધુ સ્પષ્ટ અને મજબૂત બનાવવામાં આવી છે. અત્યાર સુધી ગ્રેચ્યુઈટી માટે જે પાંચ વર્ષની મર્યાદા હતી, તેમાં ફેરફાર કરીને નિશ્ચિત સમય માટેના કર્મચારીઓ માટે એક વર્ષની નોકરી બાદ પણ ગ્રેચ્યુઈટીની યોગ્યતા સ્પષ્ટ કરવામાં આવી છે. આ ફેરફારથી લાખો ખાનગી કર્મચારીઓને મોટો આર્થિક ફાયદો થવાની આશા છે.
જોકે, નવા કાયદાના આખરી મુત્સદામાં લઘુતમ વેતન નિર્ધારિત કરવાના માપદંડોમાં ફેરફાર કરાયા છે. અગાઉ ખોરાક, કપડાં, મકાન ભાડું, શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના ખર્ચના આધારે વેતન નક્કી કરવાની જે જોગવાઈ હતી તે રદ કરવામાં આવી છે. હવે સરકાર આ માપદંડો અલગથી નક્કી કરશે તેવું જણાવાયું છે. આ ઉપરાંત, સ્કિલ આધારિત વેતન માટે ટેકનિકલ કમિટી નિમણૂકની જોગવાઈ પણ દૂર કરવામાં આવી છે, જેને લઈને શ્રમ સંગઠનોમાં ચર્ચા જોવા મળી રહી છે.
નિષ્ણાતોના મતે, આ નવા લેબર કોડના અમલીકરણમાં સર્વિસ સેક્ટર અને રીયલ-ટાઈમ ડિલીવરી ક્ષેત્રની કંપનીઓને મુશ્કેલી પડી શકે છે. ગ્રાહકલક્ષી સેવાઓમાં ચાર દિવસના સપ્તાહનું મોડેલ ગોઠવવું પડકારજનક સાબિત થશે. સરકારનું માનવું છે કે આ કાયદાથી કામકાજના સ્થળે કર્મચારીઓની સુરક્ષા અને આરોગ્ય સુવિધાઓમાં સુધારો થશે અને ઉત્પાદકતામાં પણ વધારો જોવા મળશે. હવે આગામી દિવસોમાં વિવિધ ક્ષેત્રો આ નવી કાર્યપદ્ધતિને કઈ રીતે અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.