ગેસ સિલિન્ડરની ડિલિવરીના નિયમો બદલાયા: હવે DAC કોડ વગર સિલિન્ડર નહીં મળે
- સાવધાન! ગેસ ડિલિવરીના નામે સાયબર ઠગ સક્રિય, HP ગેસે જાહેર કર્યું એલર્ટ
- સ બુકિંગ કરાવ્યું છે? તો જાળવી રાખજો 6 અંકનો DAC કોડ, ડિલિવરી બોય માંગે ત્યારે જ આપવો
- ગ્રાહકો માટે મોટા સમાચાર: LPG ડિલિવરીમાં પારદર્શિતા લાવવા ‘ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ’ અમલી
સિટી ન્યુઝ @ રાજકોટ : દેશભરમાં LPG ગેસ સિલિન્ડરની ડિલિવરી પ્રક્રિયામાં સુરક્ષાના હેતુથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે HP ગેસ, ઇન્ડેન અને ભારત ગેસ જેવી તમામ અગ્રણી કંપનીઓએ ગ્રાહકોની સુરક્ષા માટે DAC (Delivery Authentication Code) સિસ્ટમ અમલી બનાવી છે. આ નવી સિસ્ટમ હેઠળ હવેથી જ્યારે પણ તમારા ઘરે ગેસ સિલિન્ડરની ડિલિવરી આવશે, ત્યારે તમારે ડિલિવરી બોયને એક ખાસ 6 અંકનો સિક્યોરિટી કોડ આપવો પડશે. આ કોડ સિલિન્ડર બુકિંગ કર્યા પછી ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવે છે અને તે મેચ થયા પછી જ ડિલિવરી પૂર્ણ ગણવામાં આવશે.
આ ફેરફારની સાથે વધી રહેલી સાયબર ઠગાઈને ધ્યાનમાં રાખીને HP ગેસ સહિતની કંપનીઓએ ગ્રાહકો માટે ખાસ ઍલર્ટ પણ જાહેર કર્યું છે. કંપની દ્વારા સોશિયલ મીડિયા પર ગ્રાહકોને સાવધ કરવામાં આવ્યા છે કે ઘણા ઠગ નકલી મેસેજ કે લિંક મોકલીને લોકો પાસેથી OTP માંગી રહ્યા છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે સત્તાવાર મેસેજ હંમેશા 'VM-HPGASc-S' જેવા ઓફિશિયલ સેન્ડર ID પરથી જ આવે છે અને કંપનીના કોઈ પણ કર્મચારી ક્યારેય ફોન કોલ કે WhatsApp પર OTP માંગતા નથી.
ગ્રાહકોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું:
-
સૌથી પહેલા એ તપાસો કે તમે ખરેખર સિલિન્ડર બુક કરાવ્યું છે કે નહીં. બુકિંગ વગર મેસેજ આવે તો સાવધાન થઈ જવું.
-
મેસેજમાં બુકિંગ નંબર, ઇન્વોઇસ નંબર અને 6 અંકોનો DAC કોડ હોવો જોઈએ.
-
આ કોડ માત્ર ત્યારે જ શેર કરો જ્યારે ડિલિવરી બોય સિલિન્ડર લઈને તમારા ઘરે પહોંચે. ફોન કોલ પર ક્યારેય કોઈને આ કોડ આપવો નહીં.
ઇન્ડેન અને ભારત ગેસના ગ્રાહકોએ પણ સજાગ રહેવાની જરૂર છે. ઇન્ડેનના સત્તાવાર મેસેજ સામાન્ય રીતે VK-INDANE અથવા VM-INDANE જેવી ID પરથી આવે છે. સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે જો કોઈ મેસેજમાં જલ્દી કાર્યવાહી કરવાનું દબાણ કરવામાં આવે અથવા શંકાસ્પદ લિંક હોય, તો તેને તાત્કાલિક નજરઅંદાજ કરો. સાયબર ઠગાઈના વધતા કિસ્સાઓ વચ્ચે તમારી થોડી સાવધાની તમને મોટા આર્થિક નુકસાનથી બચાવી શકે છે. કોઈ પણ શંકાના કિસ્સામાં ગ્રાહકોએ પોતાની ગેસ એજન્સી અથવા કંપનીના ઓફિશિયલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો હિતાવહ છે.