1.44 કરોડના ચેક બાઉન્સમાં નીખીલ પુજારાના જામીન રદ
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટના 1.44 કરોડના ચેક રિટર્ન કેસમાં આરોપી નીખીલ પુજારાને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. અપીલના કામે હાઈકોર્ટમાંથી શરતી જામીન મેળવ્યા બાદ કોર્ટના આદેશ મુજબ 40% રકમ જમા ન કરાવવા બદલ જસ્ટીસ ગીતા ગોપીની કોર્ટે આરોપીના જામીન રદ કરી દીધા છે. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને સજાનું વોરંટ ઈશ્યુ કરી 18/06/2026 પહેલા રિપોર્ટિંગ કરવા કડક આદેશ ફરમાવતા કાનૂની આલમમાં ભારે ચર્ચા જાગી છે.
કેસની વિગત મુજબ, પેડક રોડ પર રહેતા ભરત તળાવીયાને બેન્કમાંથી પ્રોપર્ટી અપાવવાનો વિશ્વાસ આપી વર્ધમાન સિટીમાં રહેતા સિદ્ધાર્થ ઓટો જંકશનના માલિક નીખીલ પુજારા અને અભિષેક પુજારાએ 1.5 કરોડ રૂપિયા લીધા હતા. પ્રોપર્ટી ન અપાવતા રકમની ઉઘરાણી થતા આરોપીએ લક્ષ્મીવિલાસ બેન્કનો બનાવટી લેટર આપ્યો હતો અને કોરા સહી-સિક્કાવાળા લેટરપેડમાં રકમ ચૂકવાઈ ગયાનું બોગસ લખાણ ઊભું કર્યું હતું. અંતે આરોપીએ 72-72 લાખના 2 ચેક આપ્યા હતા, જે પરત ફરતા ભરત તળાવીયાએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન અને કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસ ચાલી જતા ટ્રાયલ કોર્ટે નીખીલ પુજારાને 2 વર્ષની સજા અને 2.88 કરોડનો દંડ ફટકાર્યો હતો. સેશન્સ કોર્ટે પણ આ સજા કાયમ રાખી હતી. ત્યારબાદ આરોપીએ હાઈકોર્ટમાં અપીલ કરી 40% રકમ જમા કરાવવાની શરતે જામીન મેળવ્યા હતા.
ફરિયાદી પક્ષના વકીલ આશિષ ડગલીએ હાઈકોર્ટમાં ધારદાર રજૂઆત કરી હતી કે, આરોપીએ આ 40% ની શરતને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી જ્યાં તેની પિટિશન કાઢી નાખવામાં આવી હતી. આ હકીકત છુપાવીને આરોપીએ હાઈકોર્ટમાં આદેશ મોડિફાય કરવા અરજી કરી હતી જે પાછળથી પરત ખેંચી લીધી હતી. આમ છતાં 40% રકમ જમા ન કરાવતા અંતે હાઈકોર્ટે જામીન રદ કરી દીધા છે.
આરોપી નીખીલ પુજારાએ માત્ર ફરિયાદી સાથે જ છેતરપિંડી નથી કરી, પરંતુ કાનૂની પ્રક્રિયાનો પણ દુરુપયોગ કર્યો છે. અગાઉ ખોટી પહોંચો બનાવી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં મળેલી હારની હકીકત હાઈકોર્ટ સમક્ષ છુપાવીને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. હાઈકોર્ટે આરોપીના વર્તનની નોંધ લઈ પકડ વોરંટ ઈશ્યુ કરવા આદેશ આપ્યો છે, જેથી હવે તેને જેલહવાલે થવું પડશે. આ કેસમાં ફરિયાદી તરફે રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા સહિતની ટીમ રોકાઈ હતી.