Loading Please Wait !!!
ગીગ વર્કર્સ માટે ખુશખબર: હવે સ્વિગી-ઝોમેટોના ડિલિવરી બોય્ઝને પણ મળશે સામાજિક સુરક્ષા

  • નવા લેબર કોડમાં કડક નિયમો; વર્ષમાં 90 દિવસ કામ કરનારને મળશે સરકારી લાભો
  • કંપનીઓએ કર્મચારીઓની માહિતી અને વેતનની વિગતો જાહેર કરવી પડશે; વિલંબ પર 12% વ્યાજ
  • એકથી વધુ પ્લેટફોર્મ પર કામ કરનારાઓ માટે 120 દિવસની મર્યાદા; કમિશન હવે ‘રોજગારી’ ગણાશે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા નવા લેબર કોડમાં 'ગીગ વર્કર્સ' તરીકે ઓળખાતા પ્લેટફોર્મ આધારિત કર્મચારીઓ માટે ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. અત્યાર સુધી સામાજિક સુરક્ષાથી વંચિત રહેતા સ્વિગી, ઝોમેટો, ઓલા, ઉબેર અને રેપિડો જેવા ડિલિવરી અને રાઈડ-શેરિંગ પ્લેટફોર્મના લાખો કર્મચારીઓને હવે પેન્શન, વીમો અને તબીબી સહાય જેવી સુવિધાઓ હેઠળ આવરી લેવામાં આવશે.

નવા નિયમો મુજબ, જે ગીગ વર્કરે વર્ષમાં ઓછામાં ઓછા 90 દિવસ કામ કર્યું હોય, તેને સામાજિક સુરક્ષાના લાભો મળવા પાત્ર રહેશે. જો કોઈ કર્મચારી એક સાથે એકથી વધુ પ્લેટફોર્મ પર કામ કરતો હોય, તો તેના માટે લઘુતમ મર્યાદા 120 દિવસ રાખવામાં આવી છે. આ વ્યવસ્થામાં કર્મચારીને મળતું રોજબરોજનું કમિશન તેની એક દિવસની રોજગારી તરીકે ગણવામાં આવશે, જેનો રેકોર્ડ રાખવો કંપનીઓ માટે ફરજિયાત બનશે.

સરકારે તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સને આદેશ આપ્યો છે કે તેમણે 45 દિવસની અંદર તેમના તમામ ગીગ વર્કર્સની માહિતી, તેમનું વેતન અને કમિશનની વિગતો સરકારી પોર્ટલ પર રજીસ્ટર કરવી પડશે. આ ઉપરાંત, દરેક કર્મચારીને એક વિશિષ્ટ ઓળખકાર્ડ આપવાનું રહેશે. કંપનીઓએ તેમના કર્મચારીઓની સામાજિક સલામતી માટે ફંડમાં યોગદાન જમા કરાવવાનું રહેશે. જો કોઈ પ્લેટફોર્મ આ યોગદાન આપવામાં વિલંબ કરશે, તો તેમની પાસેથી 12% વ્યાજ વસૂલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ નવા કાયદાથી ડિલિવરી બોય્ઝ અને ડ્રાઈવરોને મજબૂત કાયદાકીય કવચ મળશે. કયા સંજોગોમાં કર્મચારીને આ લાભો નહીં મળે તે અંગે પણ સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે જેથી પારદર્શિતા જળવાય. ભારતની વધતી જતી ગીગ ઇકોનોમીમાં કામ કરતા યુવાનો માટે આ કાયદો ‘ગેમ ચેન્જર’ સાબિત થશે, કારણ કે હવે તેમને માત્ર કામ પૂરતા જ નહીં, પરંતુ એક સન્માનજનક સામાજિક સુરક્ષાના હકદાર તરીકે જોવામાં આવશે.