Loading Please Wait !!!
ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: સાબુ, શેમ્પુ અને બિસ્કીટમાં 12% સુધીનો ભાવવધારો ઝીંકાય તેવી શક્યતા

  • ઈરાન યુદ્ધના કારણે ઉત્પાદન ખર્ચમાં તોતિંગ વધારો; કંપનીઓ હવે ગ્રાહકોના ખિસ્સા ખંખેરશે
  • કાચો માલ મોંઘો થતા ડાબર અને હિન્દુસ્તાન લીવર જેવી દિગ્ગજ કંપનીઓ ભાવ વધારવા મજબૂર
  • રૂપિયો નબળો પડતા આયાત મોંઘી થઈ; દિવાળી સુધી મોંઘવારી તીવ્ર બનવાના એંધાણ

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ઈરાન યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં સર્જાયેલા અવરોધોની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના રસોડા અને ખિસ્સા પર પડવા જઈ રહી છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને કાચા માલની અછતને કારણે દેશની મોટી એફએમસીજી (FMCG) કંપનીઓએ સાબુ, ડિટર્જન્ટ, બિસ્કીટ અને પેકેજ્ડ ફૂડના ભાવમાં 5 થી 12% સુધીનો વધારો કરવાની તૈયારી કરી લીધી છે. ગત વર્ષે સરકારે જીએસટીમાં ઘટાડો કરીને ગ્રાહકોને જે રાહત આપી હતી, તે હવે વધતા ખર્ચને કારણે છીનવાઈ જશે તેવું લાગી રહ્યું છે.

હિન્દુસ્તાન યુનિલિવર, ડાબર અને બ્રિટાનિયા જેવી મોટી કંપનીઓનો દાવો છે કે તેઓ અત્યારે ઉત્પાદન ખર્ચમાં લગભગ 100% જેટલા વધારાનો સામનો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયો નબળો પડતા આયાતી કાચો માલ પણ મોંઘો થયો છે. અગાઉ કંપનીઓ ભાવ વધારવાને બદલે પેકિંગ નાના કરવાની (Shrinkflation) રણનીતિ અપનાવતી હતી, પરંતુ અત્યારે પેકિંગના કદમાં ફેરફાર કરવો પણ ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે, તેથી કંપનીઓએ સીધો ભાવવધારો ઝીંકવાનું નક્કી કર્યું છે.

બીજી તરફ, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારો પણ તોળાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ જ સંકેત આપ્યો છે કે ક્રૂડ તેલનું આયાત બિલ ઘટાડવા માટે વપરાશ પર અંકુશ મૂકવો જરૂરી છે, જેનાથી ઈંધણ મોંઘું થવાની પૂરી શક્યતા છે. જો ઈંધણના ભાવ વધશે તો પરિવહન ખર્ચ વધશે અને તેની રિકરિંગ અસરથી તમામ ચીજવસ્તુઓ ફરી એકવાર મોંઘી થશે.

નિષ્ણાતોના મતે, જો મધ્ય-પૂર્વમાં તણાવ યથાવત રહેશે અને આગામી ચોમાસું નબળું જશે, તો દિવાળી સુધીમાં મોંઘવારી અસહ્ય બની શકે છે. ખાસ કરીને સોફ્ટ ડ્રિંક્સ અને પેકેજ્ડ પીણાં જેવી વસ્તુઓ પર પણ આર્થિક દબાણ વધ્યું છે. આમ, વૈશ્વિક પરિસ્થિતિ અને આંતરિક આર્થિક દબાણો વચ્ચે સામાન્ય જનતાએ આગામી દિવસોમાં આકરા ભાવવધારાનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.