સુરતમાં મફત શિક્ષણ છતાં 13,500 બાળકો શાળાએથી ગાયબ!
- સ્થળાંતર, મજૂરી અને ઘરકંકાસ બન્યા ડ્રોપ આઉટનું મુખ્ય કારણ, 100 ટકા સાક્ષરતાના લક્ષ્યાંક સામે મોટો પડકાર
- શિક્ષકો ઘરે-ઘરે જઈ રહ્યા છે, પરંતુ વાલીઓના ફોન બંધ અને કેટલાક પરિવારો અન્યત્ર સ્થળાંતર કરી ગયા
- ગરીબી અને પારિવારિક વિખવાદને કારણે બાળકો પુસ્તકોને બદલે મજૂરી કામમાં જોડાયા
સિટી ન્યુઝ @ સુરત
સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં હાલમાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડી રાખવા તંત્ર દ્વારા એક વિદ્યાર્થી પાછળ સરેરાશ 50 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ આશ્ચર્યજનક રીતે, આટલો ખર્ચ કરવા છતાં શહેરમાં 13,500 થી વધુ વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ (શાળા છોડી દેવી) થયા હોવાનું સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાએ 2030 માં 100 ટકા સાક્ષરતાનો જે લક્ષ્યાંક રાખ્યો છે, તેની સામે આ આંકડો માત્ર એક નોંધ નથી, પરંતુ એક અત્યંત ગંભીર ચેતવણી છે કે હજારો બાળકો શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે.
અગાઉ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓના ઘરે જઈને વાલીઓને સમજાવ્યા હતા, જેમાં તેમને આંશિક સફળતા મળી હતી. હવે આ જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે. શિક્ષકો ઘરે-ઘરે જઈને બાળકોને શાળાએ પાછા લાવવા મથી રહ્યા છે, પરંતુ તેમને સૌથી મોટો અવરોધ સ્થળાંતરનો નડી રહ્યો છે. વેકેશન દરમિયાન વતનમાં ગયેલા ઘણા પરપ્રાંતિય પરિવારો હજુ સુધી સુરત પરત ફર્યા નથી. કેટલાક પરિવારો રોજગારી માટે અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી ચૂક્યા છે અને અનેક વાલીઓના ફોન નંબર બંધ આવી રહ્યા છે, જેના કારણે શિક્ષકોનો વિદ્યાર્થીઓ સાથેનો સંપર્ક સાવ તૂટી ગયો છે.
સ્થળાંતર પછી બીજું સૌથી ગંભીર કારણ આર્થિક સંકટ અને બાળમજૂરી છે. ગરીબ પરિવારોમાં ભોજનની વ્યવસ્થા સૌથી મોટો પડકાર હોવાથી બાળકોનું શિક્ષણ પાછળ ધકેલાઈ જાય છે. અનેક બાળકો નાની ઉંમરે લારીઓ પર કે દુકાનોમાં મજૂરી કામમાં જોડાઈ ગયા છે. કેટલાક વાલીઓ પોતાના બાળકો આજીવિકામાં મદદ કરે તેવું ઈચ્છતા હોવાથી તેમને શાળાએ મોકલવા જ તૈયાર નથી. આ ઉપરાંત, માતા-પિતાના છૂટાછેડા અને પારિવારિક વિખવાદોના કારણે પણ બાળકોનું શિક્ષણ પ્રભાવિત થાય છે અને તેઓ ધીમે-ધીમે શિક્ષણ વ્યવસ્થામાંથી બહાર થઈ રહ્યા છે.
ચિંતાજનક વિષય: કરોડોનો ખર્ચ નિષ્ફળ સુરત જેવા વિકસિત અને ઔદ્યોગિક શહેરમાં હજારો બાળકો શાળાના વર્ગખંડને બદલે કામના સ્થળે જોવા મળે તે અત્યંત ગંભીર બાબત છે. શિક્ષણ પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ સ્થળાંતર અને બાળમજૂરીના કારણે જો વિદ્યાર્થીઓ સુધી તેનું યોગ્ય પરિણામ ન પહોંચે, તો તે માત્ર શિક્ષણ તંત્ર જ નહિ, પરંતુ સમગ્ર સમાજ માટે અત્યંત મોટો ચિંતાનો વિષય છે. તંત્રએ આ મુદ્દે વધુ કડક પગલાં લેવા પડશે.