Loading Please Wait !!!
ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર 6.7 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

  • અનેક ઘરો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાશાયી, 32 લોકો ઘાયલ અને 100 થી વધુ વિસ્થાપિત
  • 2018 ની વિનાશક સુનામીની યાદો તાજી થઈ, હોસ્પિટલોમાંથી દર્દીઓને બહાર કાઢવા પડ્યા
  • 10 કિમી ઊંડે કેન્દ્રિત આ ભૂકંપના કારણે અનેક જાહેર સુવિધાઓ અને પુલોને ગંભીર નુકસાન

સિટી ન્યુઝ @ પાલુ

મધ્ય ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર મંગળવારે આવેલા 6.7 તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી છે. ભૂકંપનું કેન્દ્ર પાલુ શહેરથી 43 કિલોમીટર પૂર્વ-દક્ષિણપૂર્વમાં જમીનથી 10 કિમી નીચે નોંધાયું હતું. આ આંચકા એટલા શક્તિશાળી હતા કે ચાર લાખની વસ્તી ધરાવતા પાલુ શહેરમાં લોકો ભયભીત થઈને ખુલ્લા વિસ્તારોમાં દોડી ગયા હતા. પ્રાથમિક અહેવાલો મુજબ, આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 32 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 8ની હાલત ગંભીર છે, જ્યારે 109 લોકોએ પોતાનું ઘરબાર ગુમાવી વિસ્થાપિત થવું પડ્યું છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપને કારણે મોટા પાયે આર્થિક અને માળખાકીય નુકસાન થયું છે. જેમાં 64 ઘરો, 4 ધાર્મિક સ્થળો, 4 જાહેર સુવિધાઓ, બે પુલો અને બે સરકારી કચેરીઓ સહિત અનેક હોટલો અને કેફેને ભારે નુકસાન પહોંચ્યું છે. સાવચેતીના પગલા તરીકે અનેક હોસ્પિટલોમાંથી દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

લોકોમાં ભયનું મુખ્ય કારણ 2018 માં આવેલો વિનાશક ભૂકંપ અને સુનામી છે, જેના ડરામણા દ્રશ્યો આ ભૂકંપ દરમિયાન ફરી તાજા થયા હતા. ભૂકંપ બાદ સમગ્ર દિવસ દરમિયાન 55 જેટલા આફ્ટર શોક્સ અનુભવાતા લોકોમાં દહેશતનો માહોલ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને આગામી સમયમાં ઘાયલો તેમજ વિસ્થાપિતોની સંખ્યામાં વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આફ્ટર શોક્સનો ભય યથાવત ભૂકંપ પછીના આફ્ટર શોક્સની સંખ્યા 55 સુધી પહોંચતા પ્રદેશના લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા છે. મોટાભાગના લોકો હજુ પણ પોતાના ઘરોમાં પરત ફરવાનું ટાળી રહ્યા છે અને ખુલ્લા મેદાનો કે સુરક્ષિત ખુલ્લી જગ્યાઓમાં આશરો લઈ રહ્યા છે. તંત્ર દ્વારા નુકસાન પામેલા પુલો અને ઇમારતોનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી વધુ જાનહાનિ ટાળી શકાય.