Loading Please Wait !!!
મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ: ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં બળવાની અટકળોથી ખળભળાટ

  • તમામ સાંસદો એક હોવાનો દાવો, પક્ષપલટો કરનાર સાંસદોને છોડવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચીમકી
  • મશાલ' ચિહ્ન પર જીતીને આવેલા સાંસદોને ગદ્દારી ન કરવા ઠાકરે જૂથની કડક તાકીદ
  • લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખી વ્હીપનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહીની માંગ

સિટી ન્યુઝ @ મુંબઈ

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ભંગાણના અહેવાલોએ જોર પકડ્યું છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના યુબીટી (શિવસેના - ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના 9 સાંસદોમાંથી 6 સાંસદો બળવો પોકારે તેવી ચર્ચાઓ વચ્ચે પક્ષના નેતા સંજય રાઉતે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. દિલ્હીમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં રાઉતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે, જો કોઈ સાંસદ પક્ષ છોડીને જવા માંગતા હોય તો તેમણે પહેલા સાંસદ પદેથી રાજીનામું આપવું પડશે, અન્યથા પક્ષ તેમને છોડશે નહીં.

સંજય રાઉતે બળવાખોર સાંસદોને યાદ અપાવ્યું હતું કે, તમામ સાંસદોએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પક્ષના ચૂંટણી ચિહ્ન 'મશાલ' પર જીત મેળવી છે. તેમણે વધુમાં કહ્યું કે, સાંસદોએ સાઈ બાબા, મા ભવાની અને પોતાની માતાના સમ ખાધા છે, છતાં જો હવે કોઈ ગદ્દારી કરશે તો મહારાષ્ટ્રની જનતા તેમને ક્યારેય માફ નહીં કરે. ઉદ્ધવ ઠાકરેએ તેમને ચૂંટણી લડવા ટિકિટ આપી અને આર્થિક મદદ કરી હોવા છતાં કરવામાં આવી રહેલા બળવાના પ્રયાસો સામે રાઉતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

આ સમગ્ર મામલે પક્ષ તરફથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પણ પત્ર લખવામાં આવ્યો છે અને વ્હીપનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. બીજી તરફ, પાર્ટીમાં બળવાની અટકળોને ફગાવતા રાઉતે આ બેઠકને 'ઓપરેશન ટાઈગર' ગણાવી હતી અને દાવો કર્યો હતો કે પક્ષના તમામ સાંસદો અત્યારે પણ ઉદ્ધવ ઠાકરે સાથે એકજૂથ છે. માતોશ્રી ખાતે યોજાયેલી બેઠકમાં હાજર સાંસદો અને વીડિયો કોન્ફરન્સથી જોડાયેલા સાંસદો દ્વારા પક્ષની એકતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

'ઓપરેશન ટાઈગર' અને પક્ષની એકતાનો દાવો યુબીટી શિવસેનામાં ચાલી રહેલી ગતિવિધિઓ વચ્ચે સંજય રાઉતે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીના લોકસભા નેતા અરવિંદ સાવંત અને ચીફ વ્હીપ અનિલ દેસાઈના નેતૃત્વમાં સાંસદો એક છે. તેમણે આ બેઠકને એક રણનીતિનો ભાગ ગણાવી છે. રાજકીય નિષ્ણાતોના મતે, આ ચેતવણી બળવાખોરોને અટકાવવા માટેનો પક્ષનો છેલ્લો પ્રયાસ છે. હવે જોવાનું એ રહેશે કે આ ચેતવણી બાદ બળવાખોર સાંસદો પોતાનું વલણ બદલે છે કે પછી મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક મોટું ભંગાણ સર્જાય છે.