રાજકોટ મીડિયા સામે ભાજપ પ્રદેશ અધ્યક્ષનું મૌન !સવાલોથી ભાગતા નેતા ?
- સુરત ડિમોલીશન અને ખેડૂત આંદોલન પ્રશ્ને જવાબ દેવાનું ટાળ્યું
- કાર્યાલય મહામંત્રી ઢોલરિયાનો રોફ મીડિયાને કહ્યું ગેટ આઉટ ?
- સિટી ન્યૂઝ@રાજકોટ
સુરત ડિમોલીશન અને ખેડૂત આંદોલન જેવા ગરમ મુદ્દાઓ વચ્ચે રાજકોટમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની મુલાકાત દરમિયાન એક અનોખું દ્રશ્ય સામે આવ્યુંજ્યાં સવાલ પૂછતા જ નેતાશ્રીએ મૌન ધારણ કરી લીધું!
ભાજપ કાર્યાલય ખાતે પદાધિકારીઓ સાથે બેઠક માટે આવેલા પ્રદેશ અધ્યક્ષે મીડિયા સાથે સીધી વાતચીત ટાળી દીધી, એટલું જ નહીં, પત્રકારોને અંદર પ્રવેશ પણ આપવામાં આવ્યો નહીં. સામાન્ય રીતે પોતાની પ્રશંસા માટે કેમેરા સામે આગળ આવતાં નેતાઓ આજે સવાલોના સામનો કરતા કેમ પાછળ હટી ગયા? આ સવાલ હવે જનતા પૂછે છે.
સુરતમાં થયેલા ડિમોલીશન મામલે અધિકારીઓની સંડોવણીની ચર્ચા ગરમ છે, જ્યારે બીજી તરફ ખેડૂતોના આંદોલનને લઈને પણ અસંતોષ વધી રહ્યો છે. આવા સંજોગોમાં પ્રદેશ અધ્યક્ષનું મૌન અનેક શંકાઓ ઊભી કરે છે.
» પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજકોટ ભાજપને કહ્યું તમારું વાણી વર્તન યોગ્ય હોવું જોઈએ તમારી એક ભૂલ પક્ષને નુકસાન પહોંચાડે !
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શું સવાલો એટલા અસ્વસ્થ કરનાર હતા કે જવાબ આપવો મુશ્કેલ બની ગયો? કે પછી કોઈ મોટી હકીકત બહાર ન આવી જાય તે માટે મૌન જ એકમાત્ર રસ્તો પસંદ કરવામાં આવ્યો?
હાલ માટે એક જ સવાલ ગુંજાઈ રહ્યો છે “વાહ-વાહ માટે કેમેરા સામે આવતા નેતાઓ, સવાલો સામે કેમ ચૂપ થઈ જાય છે?”