લેબનોનમાંથી સેના હટશે તો જ શાંતિ કરાર પૂરો થશે: ઇરાનનો સ્પષ્ટ સંદેશ, ઇઝરાયેલે ફગાવ્યો
- બૈરુત સુધી ઇઝરાયેલના આક્રમક હુમલા, નેતન્યાહુએ કહ્યું- 'સંઘર્ષ હજી પૂરો થયો નથી'
- લેબનોન મુદ્દે ઇરાન અને અમેરિકાના વિરોધાભાસી દાવા, નેતન્યાહુએ ગાઝાથી સીરિયા સુધી લડાઈ ચાલુ રાખવાની જાહેરાત કરી
- અમેરિકા-ઇરાન શાંતિ કરાર વચ્ચે ઇઝરાયેલના આક્રમક તેવર, ટ્રમ્પ સાથેના મતભેદોનો પણ સ્વીકાર
સિટી ન્યુઝ @ દુબઈ
મધ્ય-પૂર્વમાં શાંતિની આશાઓ વચ્ચે ફરી એકવાર સંઘર્ષના વાદળો ઘેરાયા છે. ઇરાનના ટોચના રાજદ્વારીએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથેનો શાંતિ કરાર ત્યારે જ સંપૂર્ણ ગણાશે જ્યારે ઇઝરાયેલ લેબનોનમાંથી પોતાની સેના પાછી ખેંચશે. જોકે, ઇઝરાયેલે આ શરતને સદંતર ફગાવી દીધી છે અને લેબનોનમાં બૈરુત સુધી પોતાના હુમલા વધુ આક્રમક બનાવ્યા છે. આ સ્થિતિ ફરીથી મોટા યુદ્ધની આશંકા જન્માવી રહી છે.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પત્રકાર પરિષદમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "સંઘર્ષ હજી પૂરો થયો નથી." તેમણે કહ્યું કે ઇઝરાયેલી સૈન્ય ગાઝા, લેબનોન અને સીરિયામાં જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી તૈનાત રહેશે. તેમણે ઇરાનને પરમાણુ શસ્ત્રો રાખવાની છૂટ નહીં મળે તેમ કહીને ચેતવણી આપી હતી કે, "હું જ્યાં સુધી વડાપ્રધાન છું, ત્યાં સુધી આવું ક્યારેય નહીં થવા દઉં." નેતન્યાહુએ ગાઝાથી લઈને યમન સુધી ઇરાન સમર્થિત જૂથો પર કરેલા હુમલાને ઇઝરાયેલના ઇતિહાસના સૌથી મોટા ઓપરેશન તરીકે ગણાવ્યા હતા.
બીજી તરફ, અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલા શાંતિ કરાર અંગે પણ ઘણું અસમંજસ છે. ટ્રમ્પે લેબનોનમાં ઇઝરાયેલની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ચાર હજાર લોકોના મોત થયા છે અને 12 લાખ લોકો વિસ્થાપિત થયા છે. હવે આ કરારને અમેરિકન કોંગ્રેસની સમીક્ષા માટે મોકલવાની તૈયારીઓ છે. ઇરાનના પરમાણુ કાર્યક્રમ માટે જે 60 દિવસની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે, તે આ સમગ્ર શાંતિ પ્રક્રિયા માટે નિર્ણાયક સાબિત થશે. આગામી શુક્રવારે લ્યુઝર્નમાં યોજાનારો કરાર સમાપન સમારંભ આ ક્ષેત્રના ભવિષ્યને નક્કી કરશે.
પરમાણુ કાર્યક્રમ અને ક્ષેત્રીય અસ્થિરતા ઇરાન તેનો પરમાણુ કાર્યક્રમ ઘટાડવા કે તેને સંપૂર્ણ ખતમ કરવા માટે તૈયાર છે કે કેમ તે અંગે હજી પણ પ્રશ્નાર્થ છે. તેહરાનમાં રહેલા કટ્ટરપંથીઓ આ કરારને સ્વીકારશે કે કેમ તે એક મોટો પડકાર છે. ઇઝરાયેલ હાલમાં લગભગ 600 કિ.મી.ના પ્રદેશ પર અંકુશ ધરાવે છે, જે તેને સૈન્ય વ્યૂહરચનાની દ્રષ્ટિએ મજબૂત બનાવે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર અને નેતન્યાહુ વચ્ચેના મતભેદો પણ આ સમગ્ર શાંતિ વાર્તાને વધુ જટિલ બનાવી રહ્યા છે.