Loading Please Wait !!!
સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પરના હુમલાથી રોષ: રાજસ્થાની સમાજની ‘ન્યાય યાત્રા’ ઉમટી

  •  ભાજપના વિજેતા ઉમેદવાર દિનેશ પુરોહિત સામે ગુંડાગીરીના આક્ષેપ; ધરપકડની પ્રબળ માંગ
  • વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કમિશનર કચેરી સુધી જનસૈલાબ ઉમટ્યો; પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલ
  • રાજસ્થાની સમાજની એકતાનો પરિચય; પીઠ પાછળ વાર કરનારા સામે ગુનો નોંધવા રજૂઆત

સિટી ન્યુઝ @ સુરત

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પણ શહેરનું રાજકીય વાતાવરણ તંગ બની ગયું છે. વોર્ડ નંબર 18માં મતગણતરીના દિવસે કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દરજાવત પર થયેલા કથિત શારીરિક હુમલાના વિરોધમાં આજે સુરતમાં એક વિશાળ ‘ન્યાય યાત્રા’ કાઢવામાં આવી હતી. રાજસ્થાની સમાજ અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને સત્તાધારી પક્ષના વિજેતા ઉમેદવાર દિનેશ પુરોહિત તેમજ તેમના સમર્થકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

ઘટનાની વિગત મુજબ, વોર્ડ નંબર 18 માં ભાજપના દિનેશ પુરોહિત વિજેતા જાહેર થતા જ વાતાવરણ વણસ્યું હતું. કોંગ્રેસનો આરોપ છે કે જીતના નશામાં ચૂર દિનેશ પુરોહિત અને તેમના ટોળાએ કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દરજાવત સાથે અભદ્ર વર્તન કરી, તેમના વાળ પકડીને હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સુરતમાં વસતા રાજસ્થાની સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી શરૂ થયેલી ન્યાય યાત્રામાં "ગુંડાગીરી નહીં ચાલે" ના નારાઓ સાથે હજારો લોકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.

સનાતની સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રતાપ સિંહ દહિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાર-જીત એ લોકશાહીનો ભાગ છે, પરંતુ જીત્યા બાદ પ્રતિસ્પર્ધી ઉમેદવાર પર પીઠ પાછળ હુમલો કરવો તે નિંદનીય છે. આ હુમલો પોલીસ અને પ્રશાસનની હાજરીમાં થયો હોવા છતાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, જે પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી સમાજ પોતાની એકતા બતાવી લડત ચાલુ રાખશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપના નેતાઓ અને ગુંડાઓએ નૈતિકતાની તમામ હદો વટાવી દીધી છે. ન્યાયિક પ્રક્રિયા અત્યંત ધીમી હોવાના કારણે આજે અમારે રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. અમે પોલીસ કમિશનર તેમજ મુખ્ય ચૂંટણી કમિશનરને રજૂઆત કરી છે કે આ હિંસક તત્વો સામે કડક પગલાં ભરી તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.

વોર્ડ નંબર 18 ના કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દરજાવતે જણાવ્યું કે, તેમની લોકપ્રિયતાથી ડરી ગયેલા વિરોધીઓએ તેમને પછાડવા માટે હીન કક્ષાનું રાજકારણ ખેલ્યું છે. હુમલા બાદ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. જો આગામી દિવસોમાં હુમલાખોરોની ધરપકડ કરવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની રણનીતિ ઘડવામાં આવી છે. હાલમાં પોલીસ કમિશનર કચેરી આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સુરતમાં રાજકીય ઉત્તેજના ચરમસીમાએ પહોંચી છે.