Loading Please Wait !!!
સુરતમાં GST ચોરી પકડતી DGGI ઓફિસમાં ભીષણ આગ: રેકોર્ડ રૂમ થયો ખાખ

  • વ્હાઈટ હાઉસના ચોથા માળે આગ લાગતા અફરાતફરી; કરચોરીના મહત્વના દસ્તાવેજો બળીને રાખ
  • સોમવારે સવારે ઓફિસ ખુલતા જ ધુમાડાના ગોટા ઉઠ્યા; ફાયરની 6 ગાડીઓએ 2 કલાકે આગ બુઝાવી
  • જોઈન્ટ કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે; અનેક મહત્વની ફાઈલો અને દસ્તાવેજોને નુકસાન

સિટી ન્યુઝ @ સુરત

સુરત શહેરના વેસુ વીઆઈપી રોડ પર આવેલી ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) ની ઓફિસમાં આજે (11 મે) સવારે એકાએક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. આગ ઓફિસના ચોથા માળે આવેલા રેકોર્ડ રૂમમાં લાગી હોવાથી ટેક્સ ચોરીને લગતા અનેક અત્યંત મહત્વના અને સંવેદનશીલ દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા છે. ફાયર વિભાગે અંદાજે બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જોકે ત્યાં સુધીમાં ઓફિસના દસ્તાવેજોને મોટું નુકસાન થઈ ચૂક્યું હતું.

ઘટનાની વિગત મુજબ, વેસુ વિસ્તારમાં આવેલા વ્હાઈટ હાઉસ બિલ્ડિંગના ચોથા માળે DGGI ની ઓફિસ કાર્યરત છે. સોમવારે સવારે અંદાજે 9:21 કલાકે જ્યારે ઓફિસ શરૂ થવાની તૈયારીમાં હતી, ત્યારે અચાનક રેકોર્ડ રૂમમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે બિલ્ડિંગમાં હાજર કર્મચારીઓ અને લોકો જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા. આગની જાણ થતા જ સુરત મહાનગરપાલિકાના વેસુ ફાયર સ્ટેશન સહિત ત્રણ સ્ટેશનની 6 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

રેકોર્ડ રૂમમાં ધુમાડાનું પ્રમાણ વધુ હોવાને કારણે ફાયર ફાઈટરોએ ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કર્યો હતો અને ભારે મુશ્કેલી બાદ આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જોકે, GST ના જોઈન્ટ કમિશનર ગુરુશ મથારુ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ ભીષણ આગ માટે શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું મનાય છે, પરંતુ વાસ્તવિક કારણ જાણવા માટે એફએસએલ (FSL) ની મદદ લેવામાં આવી શકે છે.

DGGI વિભાગ મુખ્યત્વે મોટા પાયે થતી GST ની કરચોરી પકડવાની અને તપાસ કરવાની કામગીરી કરે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જે રેકોર્ડ રૂમમાં આગ લાગી છે ત્યાં વર્ષો જૂના અને વર્તમાનમાં ચાલી રહેલી તપાસના મહત્વના પુરાવા, ફાઈલો અને દસ્તાવેજો સંગ્રહિત કરવામાં આવ્યા હતા. આગ અને ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલા પાણીના મારો બંનેના કારણે આ ફાઈલોને વ્યાપક નુકસાન થયું છે. આ નુકસાનથી આગામી સમયમાં ટેક્સ ચોરીના કેસોમાં તપાસની ગતિ ધીમી પડી શકે છે.

હાલમાં ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓએ ઓફિસમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પાસાઓની પણ ચકાસણી શરૂ કરી છે. સુરત જેવા મોટા આર્થિક કેન્દ્રમાં આ રીતે મહત્વની સરકારી ઓફિસના રેકોર્ડ રૂમમાં આગ લાગવી એ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આગામી દિવસોમાં આ નુકસાનની વિગતવાર યાદી તૈયાર કરવામાં આવશે જેથી જાણી શકાય કે કયા કેસોના દસ્તાવેજો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.