"મોરબીમાં કુદરતનો પ્રકોપ: 40 કિમીની ઝડપે ફૂંકાયેલા પવને સિરામિક એકમોના શેડના પતરા ઉડાડ્યા"
- "મોરબીમાં કુદરતનો પ્રકોપ: 40 કિમીની ઝડપે ફૂંકાયેલા પવને સિરામિક એકમોના શેડના પતરા ઉડાડ્યા"
- નવલખી બંદરે મીઠાના અગરોમાં ધોવાણ - ખેડૂતોના મોઢે આવેલો ઘઉંનો કોળિયો છીનવાયો
- ગેસ સંકટ વચ્ચે કુદરતી આફતનો માર - કારખાના બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી
મોરબી જિલ્લામાં ગઈકાલે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વહેલી સવારે ચાર વાગ્યે શરૂ થયેલા હવામાન પલટાએ બપોર થતા સુધીમાં 'મિની વાવાઝોડા'નું સ્વરૂપ લઈ લીધું હતું. મોરબી શહેર સહિત ટંકારા, હળવદ અને માળિયા પંથકમાં કાળાડિબાંગ વાદળો અને 40 કિમીની ઝડપે ફૂંકાયેલા પવને જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું. આ આફતની સૌથી વધુ અસર જિલ્લાના પાયા સમાન સિરામિક ઉદ્યોગ અને મીઠાના અગરો પર જોવા મળી છે.
મોરબીના જાંબુડિયા, સરતાનપર, માટેલ અને પીપળી રોડ પર આવેલા સિરામિક એકમોમાં પવનના સૂસવાટાને કારણે શેડના પતરા કાગળની જેમ હવામાં ઉડ્યા હતા. હાલમાં ગેસના અભાવે કારખાનેદારોએ સ્વૈચ્છિક રીતે એક મહિનો મેન્ટેનન્સ માટે પ્લાન્ટ બંધ રાખવાનું નક્કી કર્યું હોવાથી શ્રમિકો કામ પર નહોતા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી છે. તેમ છતાં, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલું નુકસાન લાખો રૂપિયામાં આંકવામાં આવી રહ્યું છે.
બીજી તરફ, માળિયા તાલુકાના નવલખી બંદર અને આસપાસના દરિયાકાંઠે આવેલા મીઠાના અગરોમાં વરસાદી પાણી ફરી વળતા અગરિયાઓની હાલત દયનીય બની છે. ભર ઉનાળે વરસાદની કલ્પના ન હોવાથી અગરિયાઓ મીઠાનો પાક બચાવી શક્યા નથી, પરિણામે મહામહેનતે પકવેલું મીઠું પાણીમાં ઓગળી ગયું છે. ખેતીમાં પણ લણણીના આખરી તબક્કે પહોંચેલા ઘઉંના પાકને ભારે નુકસાન થયું છે, જેને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાઈવે પર ઠેર-ઠેર તોતિંગ વૃક્ષો અને જાહેરાતના બોર્ડ ધરાશાયી થતા વાહનવ્યવહારને પણ માઠી અસર પહોંચી છે.