CBSE નો ઐતિહાસિક નિર્ણય: હવે બાળકો 'નંબર મશીન' નહીં, 'હોલિસ્ટિક કાર્ડ'થી ઓળખાશે
- સત્ર 2026-27 થી મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર; ગોખણપટ્ટીમાંથી મુક્તિ અને કૌશલ્યને મળશે વેગ
- નર્સરીથી ધોરણ 8 સુધી '360 ડિગ્રી' રિપોર્ટ કાર્ડ; વાલીઓ માટે 'પેરેન્ટિંગ કેલેન્ડર'ની બ્લુપ્રિન્ટ તૈયાર
- પુસ્તકિયા જ્ઞાનને બદલે વર્તન અને માનસિક વિકાસ પર ભાર; શાળાઓને મહત્વના નિર્દેશો જારી
સિટી ન્યૂઝ @ જયપુર: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2026-27 થી મૂલ્યાંકન પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. બોર્ડ હવે માર્કસના આધારે થતા પરંપરાગત મૂલ્યાંકનને નાબૂદ કરી 'હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ'ની નવી પદ્ધતિ અમલમાં લાવવા જઈ રહ્યું છે. હાલમાં આ ફેરફારો નર્સરીથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ પર લાગુ કરવામાં આવશે અને ત્યારબાદ બીજા તબક્કામાં ધોરણ 9 થી 12 માટે તેને અમલી બનાવવામાં આવશે.
નવી પદ્ધતિ મુજબ, બાળકની પ્રગતિનો અંદાજ માત્ર પુસ્તકિયા જ્ઞાનથી નહીં પણ '360 ડિગ્રી' એસેસમેન્ટથી લેવામાં આવશે. આ રિપોર્ટ કાર્ડમાં બાળકના વર્તન, કૌશલ્ય અને માનસિક વિકાસનો સંપૂર્ણ હિસાબ રાખવામાં આવશે. સૌથી રસપ્રદ વાત એ છે કે, હવે વિદ્યાર્થી પોતે જ પોતાની પ્રગતિનું આકલન કરીને પોતાને નંબર આપી શકશે. આ ઉપરાંત, વર્ગના અન્ય સાથી વિદ્યાર્થીઓ પણ એકબીજાના સામાજિક વર્તન અને ટીમ વર્ક અંગે પોતાનો અભિપ્રાય અને ફીડબેક આપશે.
વાલીઓ માટે પણ બોર્ડે વિશેષ 'પેરેન્ટિંગ કેલેન્ડર'ની બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. 'કોપિંગ વિથ ચેન્જિસ' સેક્શન દ્વારા વાલીઓને શીખવવામાં આવશે કે બદલાતા સિલેબસ અને નવી અપેક્ષાઓ વચ્ચે બાળકને માનસિક ટેકો કેવી રીતે આપવો. આ સાથે 'ઇન્ક્લુઝન' સેક્શન દ્વારા બાળકોમાં સંવેદનશીલતા અને સૌને સાથે લઈને ચાલવાની ભાવના વિકસાવવા પર ભાર મૂકવામાં આવશે. શાળાઓ હવે વાલીઓની જરૂરિયાત મુજબ ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામનું પણ આયોજન કરશે.
શિક્ષણ જગતના નિષ્ણાતો આ પગલાને આવકારી રહ્યા છે. ખાનગી શાળાના પ્રિન્સિપાલ મંજૂ શર્માનું કહેવું છે કે આ ફેરફારથી બાળકો 'નંબર મશીન' બનતા બચશે. જ્યારે મૂલ્યાંકનની રીત બદલાશે ત્યારે જ દાયકાઓ જૂની ગોખણપટ્ટીની પરંપરાનો અંત આવશે. નવા રિપોર્ટ કાર્ડમાં અભ્યાસની સાથે સ્પોર્ટ્સ, કલા અને સર્જનાત્મકતા જેવી ઇતર પ્રવૃત્તિઓ માટે અલગ કોલમ રાખવામાં આવશે, જે બાળકની છુપાયેલી પ્રતિભાને બહાર લાવવામાં મદદરૂપ થશે.
CBSE દ્વારા આ અંગે શાળાઓને વિસ્તૃત નિર્દેશો જારી કરી દેવામાં આવ્યા છે. બોર્ડનું માનવું છે કે આ નવી પદ્ધતિથી બાળકોમાં માત્ર સ્પર્ધાત્મકતા જ નહીં, પણ સામાજિક જવાબદારી અને સર્જનાત્મકતાનો પણ વિકાસ થશે. આ ફેરફારનો મુખ્ય હેતુ બાળકને પરીક્ષાના તણાવમાંથી મુક્ત કરી તેને એક જવાબદાર અને કુશળ નાગરિક બનાવવાનો છે. આગામી સમયમાં આ પદ્ધતિ ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં એક નવું સીમાચિહ્ન સાબિત થઈ શકે છે.