Loading Please Wait !!!
વર્ષ 2010માં 3.50 લાખના લાંચ કેસમાં તત્કાલીન પી.આઈને 2 વર્ષની સખ્ત કેદ

  • મોટામવાના સરપંચ મયુર શિંગાળાના ખૂન કેસમાં ફીટ ન કરવાના બદલામાં પી.આઈ સી.પી.ગોસાઈએ લાંચ માંગેલી
  • ચેમ્બરમાં જ દોઢ લાખનો બીજો હપ્તો સ્વીકારતા પકડાયા હતા: 10 હજારનો દંડ પણ કરાયો

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટના ચકચારી મોટા મવા ગામના સરપંચ મયુર શિંગાળા ખૂન કેસમાં આરોપીનું નામ ન ખોલાવવાના બદલામાં રૂ. 3.50 લાખની લાંચ માંગનાર તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર સી.પી. ગોસાઈને ખાસ અદાલતે બે વર્ષની સખત કેદની સજા ફટકારી છે. વર્ષ 2010ના આ લાંચ કેસમાં 72 વર્ષીય નિવૃત્ત PIને કોર્ટે તકસીરવાન ઠેરવી જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.

ઘટનાની વિગત મુજબ, 18 નવેમ્બર 2009ના રોજ મોટા મવા ગામના સરપંચ મયુર શિંગાળાની હત્યા થઈ હતી. આ કેસની તપાસ કરી રહેલા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન PI ચંદુલાલ પુજગર ગોસાઈએ રમેશ રાણા મકવાણાને બોલાવી, આ ખૂન કેસમાં તેનું નામ ફિટ ન કરવા માટે રૂ. 15 લાખની માંગણી કરી હતી. અંતે રૂ. 3.50 લાખમાં સોદો નક્કી થયો હતો. જે પૈકી રૂ. 2 લાખ રમેશભાઈએ અગાઉ આપી દીધા હતા અને બાકીના રૂ. 1.50 લાખ રાત સુધીમાં પહોંચાડવા PIએ દબાણ કર્યું હતું.લાંચ આપવા ન માંગતા રમેશભાઈએ એસીબીનો સંપર્ક કર્યો હતો. પી.આઈ ગોસાઈ પોતાની ચેમ્બરમાં જ રમેશભાઈ પાસેથી રૂ. દોઢ લાખનો બીજો હપ્તો સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

એસીબીના ટ્રેપિંગ ઓફિસર કે.બી. ઝાલાએ ટેબલ પરથી લાંચની રકમ કબજે કરી હતી. તપાસ દરમિયાન પી.આઈના ઘરેથી પણ રૂ. 3.31 લાખ રોકડા મળી આવ્યા હતા. કોર્ટે અવલોકન કર્યું હતું કે પી.આઈ સીપી ગોસાઈના હાથ પર ફિનોપથેલીન પાવડરની હાજરી વૈજ્ઞાનિક પુરાવો છે. કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જઈ મુખ્ય અધિકારીને ખોટી રીતે ફસાવી ન શકે."આ કેસ સ્પેશિયલ જજ વી.એ. રાણાની કોર્ટમાં ચાલતા, સરકારી વકીલ એસ.કે. વોરાની દલીલોને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. બચાવ પક્ષે આરોપીની ઉંમર જોતા દયાની અપીલ કરી હતી, પરંતુ કોર્ટે ભ્રષ્ટાચારના ગંભીર ગુનાને ધ્યાને લઈ 72 વર્ષીય ગોસાઈને 2 વર્ષની સખત કેદ અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કરાયો છે.