Loading Please Wait !!!
ધારીના ધ ફન વિસ્ટેરિયા રિસોર્ટમાં તસ્કરો બેફામ

  • અમદાવાદના સોની પરિવારને નિશાન બનાવ્યો
  • દીવાલ ટપી રૂમમાં પ્રવેશી તસ્કરો પલાયન
  • રૂપિયા 11.49 લાખની ચોરી: CCTV ફૂટેજના આધારે સઘન તપાસ

સિટી ન્યૂઝ@ધર્મેશ મહેતા, રાજુલા : અમરેલી જિલ્લાના ધારી-તુલસીશ્યામ રોડ પર આવેલા પ્રખ્યાત 'ધ ફન વિસ્ટેરિયા' રિસોર્ટમાં ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં લગ્ન પ્રસંગ માણવા આવેલા મહેમાનોના રૂમમાંથી તસ્કરોએ આશરે 11.49 લાખ રૂપિયાના મુદ્દામાલની ઉઠાંતરી કરી છે. આ હાઇપ્રોફાઇલ રિસોર્ટમાં બનેલી ચોરીની ઘટનાને પગલે અન્ય પ્રવાસીઓ અને મહેમાનોમાં પણ સુરક્ષાને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા અને સોનીકામ કરતા હરેશભાઈ મોહનભાઈ લુહાર પોતાના પરિવાર સાથે આ રિસોર્ટમાં રોકાયા હતા. મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ રિસોર્ટની પાછળની દીવાલ ટપીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેઓએ કુશળતાપૂર્વક રૂમ નંબર 405 ના પાછળના ભાગેથી કાચનો સ્લાઇડર દરવાજો ખોલ્યો હતો અને રૂમમાં પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો.રૂમમાં પ્રવેશેલા તસ્કરોએ હેન્ડબેગમાંથી કિંમતી સામાનની ચોરી કરી હતી. જેમાં સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટીઓ, સોનાની બુટ્ટીઓ, 2 કાંડા ઘડિયાળ અને 9000 રૂપિયા રોકડા મળીને કુલ 11.49 લાખ રૂપિયાની મતાનો સમાવેશ થાય છે. રિસોર્ટ જેવા ખર્ચાળ અને સુરક્ષિત મનાતા સ્થળે થયેલી આ ચોરીએ રિસોર્ટ મેનેજમેન્ટની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી છે. હાલમાં પોલીસ દ્વારા રિસોર્ટ અને તેની આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવીને તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી ફરાર આરોપીઓને વહેલી તકે ઝડપી શકાય.