Loading Please Wait !!!
દુબઈમાં મહાદેવ એપનો માસ્ટરમાઈન્ડ સૌરભ ચંદ્રાકરની ધરપકડ

  • ક્રિકેટ સટ્ટા સામ્રાજ્ય ધ્વસ્ત: સૌરભ સહિત ટોચના ઓપરેટરોની દૂબઈમાં ધરપકડ
  • 6000 કરોડના સટ્ટા કૌભાંડમાં મોટી કાર્યવાહી દુબઈથી છત્તીસગઢ અને ગુજરાત સુધી ફેલાયેલુ કૌભાંડ

સિટી ન્યૂઝ@અમદાવાદ : હિન્દુસ્તાનના મોસ્ટ વોન્ટેડ સટ્ટા એપ મહાદેવના ઓપરેટર સૌરવ ચંદ્રાકરની દુબઈ પોલીસે ગઈકાલે મોડી રાત્રે તેના દુબઈ હિલ્સ વિલામાંથી ધરપકડ કરી લીધી છે. સટ્ટા માફિયા સૌરભ ચંદ્રાકરની સાથે જ તેના પાર્ટનર રવિ ઉપ્પલ, સૌરભની પત્ની અને ત્યાં હાજર ભારતનો ઓફલાઇન સૌથી મોટો સટ્ટા બુકી ફ્રીડમ અમૃતસરી ઉર્ફે ફ્રીડમ કાકા ઉર્ફે મિંકુની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ફ્રીડમ 447 44695 3971 પર સટ્ટાનો કારોબાર કરે છે. તેની સટ્ટા બુકનું નામ વિક્ટ્રી એક્સચેન્જ છે. આ ધરપકડ દુબઈના સૌથી કડક કાયદા AML (એન્ટી મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ કરવામાં આવી છે, જેમાં ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે. સૌરભ ચંદ્રાકરના ઘરેથી દુબઈ કરન્સી આશરે 90 મિલિયન દિરહામ (ભારતીય ચલણમાં આશરે 250 કરોડ રૂપિયા) મળી છે. તેના ઘરેથી 2000 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

સાથે જ 150 કર્મચારીઓની પણ અટકાયત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આખા ઓપરેશનમાં દુબઈ પોલીસની આશરે 150 ગાડીઓનો કાફલો હતો. જોકે, આ મામલે સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આ સમાચાર વિશ્વસનીય સૂત્રો દ્વારા પ્રાપ્ત થયા છે.નોંધનીય છે કે, સૌરવ ચંદ્રાકર રાયપુરનો રહેવાસી છે. સટ્ટા મહાદેવ એપ કેસમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા ભૂપેશ બઘેલ તથા તેમનો પુત્ર પણ આરોપી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મહાદેવ બેટિંગ એપ કેસમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને આરોપી બનાવ્યા છે. CBI એ આ કેસમાં FIR નોંધી છે, જેમાં ભૂપેશ બઘેલને 6ઠ્ઠા આરોપી બનાવવામાં આવ્યા છે. FIR માં મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સહિત કુલ 21 આરોપીઓના નામ સામેલ છે.

કોણ છે સૌરભ ચંદ્રાકર?
સૌરભ ચંદ્રાકર છત્તીસગઢ રાજ્યના ભિલાઈનો રહેવાસી છે અને તેના પિતા નગર નિગમમાં પંપ ઓપરેટરના પદ પર હતા. સૌરભની એક જ્યુસની દુકાન હતી. રોડ સાઈડ પર દુકાન હોવાના કારણે આવક વધારે નહોતી અને તે વધારે પૈસા કમાવા માંગતો હતો. વર્ષ 2019માં તે દુબઈ ગયો અને તેના મિત્ર રવિ ઉત્પલને પણ બોલાવી લીધો. આ પછી તેણે મહાદેવ એપ લૉન્ચ કરી અને ધીમે-ધીમે ઓનલાઈન સટ્ટા બજારનું મોટું નામ બની ગયો. આ મામલે ઈડીને (ED) જાણવા મળ્યું કે, મહાદેવ એપ વિવિધ લાઈવ ગેમ્સમાં ગેરકાયદેસર સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે. આટલું જ નહીં, તે ભારતમાં યોજાતી વિવિધ ચૂંટણીઓ પર દાવ લગાવવાની પણ સુવિધા આપે છે. જણાવી દઈએ કે ગેરકાયદેસર સટ્ટાના નેટવર્ક દ્વારા આ એપની જાળ ખૂબ જ ઝડપથી ફેલાઈ. છત્તીસગઢમાં આ એપનો સૌથી વધુ ઉપયોગ થવા લાગ્યો. આ એપથી છેતરપિંડી માટે એક પૂરો પ્લાન (ડ્રાફ્ટ) બનાવવામાં આવ્યો હતો.