Loading Please Wait !!!
ખાખીમાં માનવતા જીવંત : હોદ્દાની ઉંચાઈ નહીં, દિલની ઊંડાઈ બતાવી એસ.પી. પ્રેમસુખ ડેલુએ !

  • ખાખી વર્દી પાછળ ધબકતું દિલ: સુરેન્દ્રનગર એસ.પી.નું દિલ સ્પર્શી પગલું
  • તુરંત ન્યાય અપાવતા વિકલાંગ દંપતિ S.Pનું સન્માન કરવા પહોંચતા પ્રેમસુખ જમીન પર બેસી સન્માન સ્વીકાર્યુ

સિટી ન્યૂઝ@સુરેન્દ્રનગર : કહેવાય છે કે સત્તા અને હોદ્દો માણસને અભિમાની બનાવે છે, પરંતુ સુરેન્દ્રનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુંએ આ વાતને ખોટી સાબિત કરી છે. પોતાની ઓફિસના દાદર ઉતરીને એક મજબૂર અને વિકલાંગ દંપતિની વેદના સાંભળવા જવું અને પછી તેમની સામે જમીન પર બેસીને સન્માન સ્વીકારવું એ ઘટનાએ સમગ્ર ગુજરાતનું દિલ જીતી લીધું છે. જમીન વિવાદમાં ફસાયેલા દંપતિને પોલીસની મધ્યસ્થતાથી ત્વરિત ન્યાય મળતા ન્યાયતંત્ર પરનો ભરોસો વધુ મજબૂત થયો છે.
સામાન્ય રીતે પોલીસના કડક વલણથી લોકો પરિચિત હોય છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલુંએ સાબિત કરી દીધું છે કે ખાખી વર્દીની અંદર એક સંવેદનશીલ હૃદય પણ ધબકે છે. પોતાની જમીનના દસ્તાવેજો મેળવવા માટે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા એક વિકલાંગ દંપતિની વ્હારે આવી એસ.પી. સાહેબે ત્વરિત ન્યાય અપાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
એક વિકલાંગ દંપતિ પોતાની ગંભીર સમસ્યા અને જમીનના મૂળ દસ્તાવેજો પરત મેળવવા માટે એસ.પી. કચેરીએ પહોંચ્યું હતું. દંપતિની લાચારી જોઈ એસ.પી. પ્રેમસુખ ડેલુંએ પોતાના હોદ્દાનું પ્રોટોકોલ બાજુ પર મૂકી, પોતે ઓફિસના દાદર ઉતરીને નીચે તેમને મળવા ગયા હતા. દંપતિની વ્યથા સાંભળી તેમણે તાત્કાલિક બી-ડિવિઝન પોલીસને કડક સૂચના આપી હતી. પોલીસની સક્રિયતાને કારણે જૂનો અન્યાયી કરાર રદ થયો અને દંપતિને તેમના હક્કના દસ્તાવેજો પરત મળ્યા.
ન્યાય મળ્યા બાદ દંપતિની આંખમાં ખુશીના આંસુ હતા. તેમણે આભાર વ્યક્ત કરવા માટે એસ.પી. સાહેબને શાલ ઓઢાડવાની ઈચ્છા વ્યક્ત કરી. આ સમયે એસ.પી. પ્રેમસુખ ડેલુંએ નમ્રતાની પરાકાષ્ઠા વટાવતા, દંપતિના માન ખાતર પોતે જમીન પર બેસી ગયા હતા અને સન્માન સ્વીકાર્યું હતું. આ દ્રશ્યો જોઈ ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.