આકાશે દેખાડ્યો ગુસ્સો તાપ, વરસાદ અને કરા પડ્યા
ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો- માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી
- દાહોદ, અરવલ્લી અને મહિસાગરમાં ભારે પવન સાથે વરસાદ
- ચોટીલા પંથકમાં પવન સાથે માવઠું: સાંજે બરફના કરા પડ્યા
- રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર
સિટી ન્યૂઝ@અમદાવાદ : રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે આજે વહેલી સવારથી વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર અને મધ્ય ગુજરાતના દાહોદ, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. મે મહિનાની કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ પડેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત ગણાતા ખેડૂતોમાં ભારે ચિંતાના વાદળો ઘેરાયા છે.અરવલ્લી જિલ્લાના મુખ્ય ચાર તાલુકાઓ માલપુર, મેઘરજ, શામળાજી અને મોડાસામાં વહેલી સવારથી જ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી.
યાત્રાધામ શામળાજી અને તેની આસપાસના વાશેરા કંપા, નાદિસણ તેમજ ઇસરી, રેલ્લાવાડા અને જીતપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ પડ્યો હતો. માલપુર પંથકમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા માર્ગો પર પાણી ભરાયા હતા. આ અચાનક બદલાયેલા હવામાનથી લોકોને ગરમીમાં રાહત મળી છે, પરંતુ ઉનાળુ પાક જેવા કે મકાઈ, બાજરી અને પશુઓ માટેના ઘાસચારાને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
બીજી તરફ, દાહોદ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને જોતજોતામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં સ્થાનિકોએ ઉનાળાની ગરમીમાંથી થોડી શાંતિ અનુભવી હતી.