Loading Please Wait !!!
"ગુજરાતમાં મીની વાવાઝોડાનું તાંડવ: અમદાવાદમાં ઝાડ પડ્યાં, બનાસકાંઠામાં સોલાર પેનલો ઉડી"

  • 40 કિમીની ઝડપે ફૂંકાયેલા પવને ધૂળની ડમરીઓ ઉડાડી - અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી માવઠાની આફત - આગામી 20 માર્ચ સુધી રાજ્યમાં હાઈ એલર્ટ.
  • તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો છતાં વાવાઝોડાએ મચાવી તારાજી - વિસનગરમાં દુકાનોના શેડ ધરાશાયી.

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક હવામાનમાં પલટો આવતા રાજ્યના અનેક ભાગોમાં 'મીની વાવાઝોડા' જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી અમદાવાદ, હિંમતનગર અને ઉત્તર ગુજરાતના પંથકોમાં 40 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે વાહનચાલકોની વિઝિબિલિટી ઘટતા મુશ્કેલી સર્જાઈ હતી. અમદાવાદમાં અનેક જગ્યાએ ઝાડની ડાળીઓ તૂટી પડી હતી અને ઉજાલા-વણઝર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના વાવ, થરાદ અને કાંકરેજ પંથકમાં વરસાદી ઝાપટાં સાથે ભારે પવન ફૂંકાતા સોલાર પેનલો ઉડી ગઈ હોવાના અહેવાલ છે. વિસનગરમાં અનેક દુકાનોના પતરાં અને શેડ ધરાશાયી થયા હતા. પવનની ગતિ એટલી તેજ હતી કે હાઈવે પર લગાવેલા મોટા હોર્ડિંગ્સ પણ કાગળની જેમ ઉડતા જોવા મળ્યા હતા.

ખેડૂતોની ચિંતામાં વધારો આ કમોસમી વરસાદ અને માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કેરીના પાકને મોટું નુકસાન થયું છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં તમાકુ, જીરું, વરિયાળી અને ઈસબગુલના તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતો આર્થિક ફટકો અનુભવી રહ્યા છે. બનાસકાંઠામાં તમાકુના પાકને વ્યાપક નુકસાન થતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

આગામી 24 કલાક મહત્વના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હજુ 20 માર્ચ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આજે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, રાજકોટ, જામનગર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જોકે, આ વરસાદને કારણે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા લોકોને ગરમીથી કામચલાઉ રાહત મળશે, પણ તોફાની પવન જોખમ બની શકે છે.