બંગાળમાં ભાજપનો મહિલા કાર્ડ? મુખ્યમંત્રી પદની રેસમાં આ નામો સૌથી મોખરે
- 9 Mayના રોજ શપથ ગ્રહણ સમારોહ; અગ્નિમિત્રા પોલ અને રૂપા ગાંગુલીના નામની જોરદાર ચર્ચા
- અમિત શાહ અને મોહન ચરણ માઝીને નિરીક્ષક તરીકેની જવાબદારી; ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત.
- સોનારપુર અને આસનસોલના વિજેતા ધારાસભ્યો પર હાઈકમાન્ડની નજર; શનિવારે યોજાશે ભવ્ય શપથવિધિ.
સિટી ન્યૂઝ @ કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટીમાં મુખ્યમંત્રી પદના નામની પસંદગી માટે મથામણ તેજ બની છે. આગામી 9 May, શનિવારના રોજ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાની સત્તાવાર જાહેરાત બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ બંગાળમાં મમતા બેનરજીની જેમ જ કોઈ પ્રભાવશાળી મહિલા નેતાને મુખ્યમંત્રી પદ સોંપીને 'માતૃશક્તિ'નો સંદેશ આપી શકે છે. જોકે, આ પદ માટે શુભેન્દુ અધિકારી જેવા દિગ્ગજોના નામ પણ હજુ રેસમાં યથાવત છે.
મહિલા મુખ્યમંત્રીની રેસમાં અત્યારે બે નામો સૌથી વધુ ચર્ચામાં છે: અગ્નિમિત્રા પોલ અને રૂપા ગાંગુલી. આસનસોલ દક્ષિણ બેઠક પરથી 40 હજારથી વધુ મતોની સરસાઈથી જીતનાર અગ્નિમિત્રા પોલ ફેશન ડિઝાઇનરથી નેતા બનેલા પ્રભાવશાળી ચહેરો છે. બીજી તરફ, સોનારપુર દક્ષિણથી જીતેલા અને પૂર્વ રાજ્યસભા સાંસદ રૂપા ગાંગુલી પણ મજબૂત દાવેદાર મનાય છે. રૂપા ગાંગુલીની લોકપ્રિયતા અને અનુભવ તેમની તરફેણમાં જઈ શકે છે. જો ભાજપ મહિલા કાર્ડ ખેલે તો આ બેમાંથી કોઈ એકના શિરે તાજ પહેરાવવામાં આવી શકે છે.
પુરૂષ નેતાઓની યાદીમાં સૌથી મોટું નામ શુભેન્દુ અધિકારીનું છે, જેમણે નંદીગ્રામ અને ભવાનીપુર જેવી બેઠકો પર મમતા બેનરજીને પરાજય આપીને પોતાની તાકાત સાબિત કરી છે. શુભેન્દુ અધિકારીને દિલ્હી બોલાવવામાં આવે તેવી શક્યતા છે, જ્યાં તેમની ભૂમિકા અંગે અંતિમ નિર્ણય લેવાશે. આ ઉપરાંત, પ્રદેશ પ્રમુખ શમિક ભટ્ટાચાર્ય, દિલીપ ઘોષ અને RSS ના પ્રભાવશાળી નેતા ગણાતા ઉત્પલ મહારાજના નામ પર પણ ભાજપ હાઈકમાન્ડ ગંભીરતાથી વિચારણા કરી રહ્યું હોવાનું જાણવા મળે છે.
વિધાયક દળના નેતાની પસંદગી કરવા માટે ભાજપે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને નેતાઓ ટૂંક સમયમાં કોલકાતા પહોંચીને ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજશે. ધારાસભ્યોના અભિપ્રાય લીધા બાદ મુખ્યમંત્રીના નામનો રિપોર્ટ પીએમ મોદીને સોંપવામાં આવશે, જેના આધારે આખરી નામ પર મહોર મારવામાં આવશે.
આગામી 9 May ના રોજ રાજભવન ખાતે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહે તેવી શક્યતા છે. બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બની રહી હોવાથી આ સમારોહને અત્યંત ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ અનુભવી શુભેન્દુ અધિકારી પર ભરોસો મૂકે છે કે પછી મમતા બેનરજીની શૈલીમાં કોઈ મહિલા નેતાને સત્તાનું સુકાન સોંપીને બંગાળના રાજકારણમાં નવો અધ્યાય શરૂ કરે છે.