"સૌરાષ્ટ્રમાં કુદરતનો પ્રકોપ: મીની વાવાઝોડા અને કરા સાથે દોઢ ઇંચ વરસાદ, ખેડૂતો પાયમાલ"
- રાજકોટમાં 50 થી વધુ વૃક્ષો ધરાશાયી - ઘઉં, જીરું અને કેરીના પાકને કરોડોનું નુકસાન
- અનેક વાહનો પર ઝાડ પડતા નુકસાન - અડધા રાજકોટમાં વીજ ગુલ થતા અંધારપટ
- લાલપુર અને રાજકોટમાં બરફના કરા પડ્યા - ખેતીના તૈયાર પાક પર ફરી વળ્યું પાણી
રાજકોટ : સૌરાષ્ટ્રમાં ગઈકાલે બપોર બાદ કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલા હવામાન પલટાએ સમગ્ર વિસ્તારને મીની વાવાઝોડાની લપેટમાં લઈ લીધો હતો. રાજકોટ શહેરમાં માત્ર બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેની સાથે 50 કિમીની ઝડપે ફૂંકાયેલા પવને શહેરના 50 થી વધુ વૃક્ષોનો સોથ વાળી દીધો હતો. અનેક વિસ્તારોમાં વીજ પોલ પડવાને કારણે લાંબો સમય અંધારપટ છવાયો હતો. ખાસ કરીને બરફના કરા પડવાથી જનજીવન પ્રભાવિત થયું હતું.
જામનગરમાં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી હતી. ત્યાં પવનની ગતિ 60 કિમી પ્રતિ કલાકથી વધુ નોંધાઈ હતી. શહેરના પંચેશ્વર ટાવર પાસે એક વિશાળ મોબાઈલ ટાવર ધરાશાયી થયો હતો, જ્યારે 20 થી વધુ કાર ઝાડ નીચે દબાઈ ગઈ હતી. સુરેન્દ્રનગરના ચોટીલામાં તો સ્થિતિ પૂર જેવી ભયાનક બની ગઈ હતી, જ્યાં મુખ્ય બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને વેપારીઓના માલ-સામાનને વ્યાપક નુકસાન થયું હતું.
ખેતીની વાત કરીએ તો, આ કમોસમી વરસાદ ખેડૂતો માટે કાળ સાબિત થયો છે. તૈયાર થયેલા ઘઉં અને જીરુંના પાક ખેતરમાં જ ઢળી પડ્યા છે. તળાજા અને અલંગ પંથકમાં આંબા પરથી મોટા પ્રમાણમાં કાચી કેરી (ખાખટી) ખરી પડતા બાગાયતી ખેડૂતોને કરોડોનું નુકસાન થયું છે. ઈજારેદારોમાં ચિંતા છે કે હવે બજારમાં કેરી સસ્તી વેચાશે, પણ ઉત્પાદન ખર્ચ પણ નીકળશે નહીં.
હવાઈ ક્ષેત્રે પણ આ વાવાઝોડાની અસર જોવા મળી હતી. દિલ્હીથી રાજકોટ આવતી ઈન્ડિગોની ફ્લાઈટને ખરાબ હવામાનને કારણે લેન્ડિંગની મંજૂરી ન મળતા તેને સુરત ડાયવર્ટ કરવામાં આવી હતી. આનાથી મુસાફરોને 3 થી 4 કલાક સુધી ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે, આજે સવારથી આકાશ સ્વચ્છ થતા અને સૂર્યદેવના દર્શન થતા લોકોએ હાસકારો અનુભવ્યો છે, પરંતુ ખેડૂતો માટે આ 'માવઠું' આર્થિક રીતે પાયમાલ કરનારું સાબિત થયું છે.