Loading Please Wait !!!
અમેરિકા-ઈરાન વચ્ચે સૈન્ય તણાવ ચરમસીમા પર: દરિયાઈ નાકાબંધી ફરી સક્રિય

  • ઈરાની સૈન્ય બેઝ પર અમેરિકી હવાઈ હુમલા, હોર્મુઝમાં વેપાર પર સંકટના વાદળ
  • મિસાઈલ અને ડ્રોન સેન્ટરો નષ્ટ, શાંતિ કરાર પર મોટો ખતરો મંડરાયો
  • વળતા જવાબમાં ઈરાન દ્વારા બહેરીન અને કુવૈતના સૈન્ય મથકો નિશાન પર

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય તણાવ અત્યંત ગંભીર વળાંક પર પહોંચ્યો છે. ઈરાની દરિયાઈ બંદરો નજીક અમેરિકાએ ફરીથી કડક દરિયાઈ નાકાબંધી લાગુ કરી દીધી છે, જેના પગલે તે વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. નાકાબંધીના એક કલાક પહેલાં જ અમેરિકી વાયુસેનાએ ઈરાનના સૈન્ય મથકો પર જોરદાર હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે બુશેહર, ચાબહાર અને બંદર અબ્બાસ જેવા વ્યૂહાત્મક વિસ્તારોમાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ અને ડ્રોન સેન્ટરોને નષ્ટ કરી દીધા છે. આ હુમલાનો વળતો જવાબ આપતા ઈરાને બહેરીન અને કુવૈતમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હોવાના અહેવાલો છે.

આ સંઘર્ષના મૂળમાં ગયા અઠવાડિયે હોર્મુઝના જળમાર્ગે પસાર થતાં કોમર્શિયલ જહાજો પર થયેલા હુમલા છે. આ તણાવને કારણે બંને દેશો વચ્ચે થયેલા ૬૦ દિવસના વચગાળાના શાંતિ કરાર પણ જોખમમાં મુકાયા છે. શાંતિ કરાર મુજબ ઈરાને કોઈપણ ટેક્સ વગર જહાજોને પસાર થવાની છૂટ આપી હતી, પરંતુ ત્યારબાદની અનિશ્ચિતતા અને હુમલાઓને કારણે અમેરિકાએ સખત વલણ અપનાવ્યું છે.

બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ૨૦ ટકા ટેરિફ વસૂલવાની પોતાની યોજના હાલ પૂરતી મોકૂફ રાખી છે. ઈરાન આ માર્ગ પર પોતાના ટ્રાફિક નિયંત્રણ અને ટેક્સ લેવાના અધિકાર પર અડગ છે, જ્યારે અમેરિકા આંતરરાષ્ટ્રીય જળમાર્ગને તમામ દેશો માટે ટેક્સ-ફ્રી ખુલ્લો રાખવાની હિમાયત કરીને સૈન્ય બળથી મોરચો માંડી રહ્યું છે. આ સૈન્ય સંઘર્ષની અસર વૈશ્વિક વેપાર અને ખાસ કરીને ક્રૂડ ઓઈલ સપ્લાય ચેઈન પર પડવાની ભીતિ સેવાઈ રહી છે.