ચીનમાં ટાયકૂન બાવી વાવાઝોડાનો કહેર: તબાહીના દ્રશ્યોથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ
- પૂર અને ભારે વરસાદને કારણે ૨૦ લાખથી વધુ લોકોનું સ્થળાંતર
- આ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું, ઝેજિયાંગ પ્રાંતમાં ભારે નુકસાન
- ફ્લાઈટ અને ટ્રેનો રદ, ૧૩૦૦ થી વધુ વૃક્ષો ધરાશાયી થતા જનજીવન અસ્તવ્યસ્ત
સિટી ન્યુઝ @ બેઈજિંગ
ચીનના પૂર્વીય વિસ્તારોમાં આ વર્ષના સૌથી શક્તિશાળી 'ટાયકૂન બાવી' વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. વાવાઝોડાને પગલે આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે ચીનના અનેક શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ધસમસતા પાણીના પ્રવાહમાં અનેક ગાડીઓ તણાઈ જતી સ્પષ્ટ દેખાય છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સૌથી વધુ અસરગ્રસ્ત ઝેજિયાંગ પ્રાંતમાં 20 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. યુએકિંગ શહેરમાં 1300 થી વધુ વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલ છે, જેનાથી વીજળી અને સંદેશાવ્યવહારની સુવિધાઓ ખોરવાઈ ગઈ છે. સુરક્ષા અને સાવચેતીના પગલા તરીકે શાળાઓ બંધ રાખવામાં આવી છે, અને વાહનવ્યવહાર પર પણ મોટી અસર પડી છે, જેના પરિણામે સેંકડો ફ્લાઈટ અને ટ્રેનો રદ કરવી પડી છે.
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ટાયકૂન બાવી હવે ધીરે ધીરે નબળું પડીને 'ટ્રોપિકલ વાવાઝોડા'માં પરિવર્તિત થઈ ગયું છે. જોકે, પૂર અને ભારે વરસાદના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં તંત્રને હજુ સમય લાગશે. સરકારે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે, પરંતુ કુદરતી આફતનું આ સ્વરૂપ ચીન માટે અત્યંત વિનાશક સાબિત થયું છે.
ચીનમાં ટાયકૂન બાવીનું નુકસાન ચીનમાં ટાયકૂન બાવી વાવાઝોડાને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. 20 લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. અનેક માર્ગો બે મીટર પાણીમાં ડૂબી ગયા છે. 1300થી વધુ વૃક્ષો પડવાથી માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે. શાળાઓ અને પરિવહન સેવાઓ હાલમાં સંપૂર્ણપણે બંધ છે. જોકે વાવાઝોડું હવે નબળું પડ્યું છે, પરંતુ પૂરના પાણી ઓસરતા હજુ સમય લાગી શકે તેમ છે.