ચીનમાં 'ખુશી' વેચવાનો બિઝનેસ તેજ: 400 અબજ ડોલરને પાર કર્યું માર્કેટ
- એકલતા અને ડિપ્રેશન સામે ઝઝૂમતી યુવા પેઢી માનસિક શાંતિ પાછળ ખર્ચવા તૈયાર
- ભૌતિક ચીજવસ્તુઓ કરતાં અનુભવને પ્રાધાન્ય, હસાવવા માટે ચાર્જ વસૂલતા યુવાનો
- પ્રવાસમાં ઈમોશનલ સપોર્ટ અને હાસ્ય માટે યુવાનો આપી રહ્યા છે તગડો ચાર્જ
સિટી ન્યુઝ @ બેઈજિંગ
ચીનમાં વધતી જતી સ્પર્ધા અને ભવિષ્યની અનિશ્ચિતતાને કારણે યુવા પેઢીમાં માનસિક તણાવ અને એકલતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. આ સ્થિતિ વચ્ચે, માનસિક શાંતિ અને ખુશી પૂરી પાડતા 'ઈમોશનલ વેલ્યૂ' અથવા 'ફીલ-ગુડ' માર્કેટે ચીનમાં જોર પકડ્યું છે. એક અંદાજ મુજબ આ ક્ષેત્રનો બિઝનેસ હવે 400 અબજ ડોલરને પાર કરી ગયો છે. સોશિયલ મીડિયા પર યુવાનો હવે ભૌતિક ચીજવસ્તુઓ પાછળ ખર્ચ કરવાને બદલે એવા અનુભવો માટે નાણાં ખર્ચી રહ્યા છે જે તેમને માનસિક રાહત આપે.
આ બિઝનેસ મોડેલના ભાગરૂપે લૂ ઝાઓયૂ જેવા યુવાનો માઉન્ટ તાઈના પ્રવાસ માટે ખાસ પેકેજ ઓફર કરે છે. આ પેકેજમાં માત્ર પહાડ ચઢવાની સુવિધા જ નથી, પરંતુ પ્રવાસીઓને રસ્તામાં હસાવવા, તેમને ઈમોશનલ સપોર્ટ આપવો, ગિફ્ટ આપવી અને ગમતી વાતો કરવી જેવી સેવાઓનો સમાવેશ થાય છે, જેના માટે તેઓ 100 ડોલર સુધીનો ચાર્જ વસૂલે છે. તેવી જ રીતે એ લાંગ જેવો યુવાન કલાકારોના પોશાક પહેરીને લોકોને માત્ર હસાવતો જ નથી, પણ તેમને એક સંપૂર્ણ ઈમોશનલ એક્સપિરિયન્સ પ્રદાન કરે છે.
ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હવે આ પ્રકારની જાહેરાતોનો રાફડો ફાટ્યો છે. નવી જનરેશન માટે હવે આ પ્રકારના 'ઈમોશનલ પેકેજ' એ જીવનનો એક હિસ્સો બની ગયા છે. જે રીતે યુવાનો એક્ઝાઈટી અને ભવિષ્યની ચિંતામાં દિવસો કાઢી રહ્યા છે, તેને જોતા આ બિઝનેસ આગામી સમયમાં વધુ વિસ્તરવાની શક્યતા છે. આ ઘટનાક્રમ ચીની સમાજમાં માનસિક સ્વાસ્થ્ય અને માનવીય સંબંધોની બદલાતી વ્યાખ્યાને સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત કરે છે.