Loading Please Wait !!!
ઊંચાઈ કે ઠીંગણું? બંને બન્યા ચિંતાજનક

  • 6.6 ફુટની કંડક્ટરની ઊંચાઈ બની દુ:ખાવો
  • બસ કંડક્ટરની ગરદન જકડાઈ સરકારના આદેશથી બસની અંદર નહીં બહાર નોકરી સોંપી

સિટી ન્યૂઝ@હૈદરાબાદ : હૈદરાબાદના એક બસ કંડક્ટરનો કિસ્સો હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. સામાન્ય રીતે લોકો પોતાની ઊંચાઈને ગર્વની વાત ગણતા હોય છે, પરંતુ મહેદીપટ્ટનમ ડેપોમાં કાર્યરત અમીન અહેમદ અંસારી માટે તેમની 6 ફૂટ 6 ઈંચની લંબાઈ મુસીબતનું કારણ બની ગઈ છે.તેલંગાણા રાજ્ય પરિવહન નિગમમાં ફરજ બજાવતા કંડક્ટર અમીન અહેમદ અંસારીની ઊંચાઈ આશરે 198 સેન્ટિમીટર (6 ફૂટ 6 ઈંચ) છે. સામાન્ય લોકોની સરખામણીએ તેમની લંબાઈ ઘણી વધારે હોવાથી બસની અંદર ફરજ બજાવવી તેમના માટે શારીરિક રીતે અત્યંત કષ્ટદાયક બની રહી હતી. બસની છતની ઓછી ઊંચાઈ અને સાંકડી ગલીઓને કારણે તેમને સતત નમીને ચાલવું પડતું હતું.બસમાં ટિકિટ આપવા માટે અને મુસાફરોની અવરજવર વચ્ચે સતત ઝૂકીને કામ કરવાને કારણે અમીનને ગરદન અને પીઠમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો. રિપોર્ટ મુજબ, તેમની ઓડી ડ્યુટી પૂર્ણ થયા બાદ જ્યારે તેઓ ફરીથી બસમાં નિયમિત ફરજ પર પરત ફર્યા, ત્યારે માત્ર થોડા જ દિવસોમાં તેમની શારીરિક તકલીફો વધી ગઈ હતી. સતત નમીને રહેવાથી તેમને કરોડરજ્જુ અને સ્નાયુઓમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.અમીન અહેમદ અંસારીની આ સમસ્યાને ગંભીરતાથી લેતા પરિવહન નિગમના મુખ્યાલયે 5 મેના રોજ એક સત્તાવાર આદેશ જાહેર કર્યો છે. તંત્રએ માનવતાવાદી અભિગમ અપનાવીને તેમને ફરીથી ઓડી ડ્યુટી (OD Duty) સોંપી દીધી છે.

ભવિષ્યમાં ઠીંગણા લોકોની વસતી વધવાની વૈજ્ઞાનિકોની આશંકા
માનવ ઊંચાઈમાં ઘટાડો: શું આવશે `ઠીંગણા'નો યુગ?

છેલ્લા 150 વર્ષમાં માનવ પ્રજાતિની સરેરાશ ઊંચાઈમાં સતત વધારો જોવા મળ્યો હતો, પરંતુ હવે આ વૃદ્ધિ અટકી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોના મતે, ક્લાઇમેટ ચેન્જના કારણે વધતી ગરમી અને ભેજ બાળકોની ઊંચાઈ ઘટાડવા માટે જવાબદાર છે. ખાસ કરીને દક્ષિણ એશિયાના દેશોમાં ગર્ભાવસ્થા દરમિયાન જો માતા 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન અને વધુ ભેજનો સામનો કરે, તો જન્મેલા બાળકની ઊંચાઈમાં અપેક્ષિત વધારા સામે 13 ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે માનવીની ઊંચાઈ માત્ર જીનેટિક્સ પર જ નહીં, પરંતુ પોષણ, આરોગ્ય અને પર્યાવરણીય સ્થિતિ પર પણ નિર્ભર કરે છે. ભૂતકાળમાં 17મી સદી દરમિયાન યુરોપમાં 'લિટલ આઈસ એજ' અને રોગચાળાને કારણે પુરુષોએ સરેરાશ 2.5 ઈંચ ઊંચાઈ ગુમાવી હતી, જે 20મી સદીમાં ફરી પ્રાપ્ત થઈ હતી. જોકે, હાલમાં નેધરલેન્ડ અને અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ સરેરાશ ઊંચાઈમાં ઘટાડો અથવા સ્થિરતા નોંધાઈ રહી છે, જેના માટે બદલાતી આહાર શૈલી અને બાળકોમાં વધતી મેદસ્વીતાને મુખ્ય કારણ માનવામાં આવે છે.વૈશ્વિક સ્તરે ઊંચાઈમાં જોવા મળતી અસમાનતા સામાજિક અને આર્થિક તફાવતોને આભારી છે. ઉત્તર અને દક્ષિણ કોરિયાનું ઉદાહરણ આપતા સંશોધકો જણાવે છે કે સમૃદ્ધ દક્ષિણ કોરિયાના લોકો ઉત્તર કોરિયાના લોકો કરતા સરેરાશ 8 સેન્ટીમીટર વધુ ઊંચા છે. આ જ રીતે ઈરાન અને દક્ષિણ કોરિયાની મહિલાઓની ઊંચાઈમાં છેલ્લા 100 વર્ષમાં મોટો ઉછાળો આવ્યો છે, જ્યારે પાકિસ્તાન જેવા દેશોમાં આ વૃદ્ધિ અત્યંત ધીમી રહી છે.નિષ્ણાતોના મતે, ભવિષ્યમાં ક્લાઇમેટ ચેન્જની નકારાત્મક અસરો સામે ટકી રહેવા માટે અનુકૂલન સાધવું અત્યંત જરૂરી બનશે. જો ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં પોષણયુક્ત આહાર અને જીવનધોરણમાં સુધારો નહીં આવે, તો આવનારા દાયકાઓમાં માનવ વસતીમાં ઊંચાઈ ઘટવાનું જોખમ વધુ પ્રબળ બનશે.