જોડિયા બાળકો, પણ પિતા અલગ-અલગ
- એક સમયે બે પુરૂષો સાથે સબંધમાં હતી મહિલા
સિટી ન્યૂઝ@રિયો ડી જાનેરો : બ્રાઝીલમાંથી એક અનોખી અને અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના વિશે સાંભળીને મેડિકલ સાયન્સ પણ હચમચી ગયું છે. અહીં એક 19 વર્ષની યુવતીએ એક જ સમયે બે અલગ-અલગ પુરુષો સાથે સંબંધ બાંધ્યા અને તે બંનેથી પ્રેગ્નન્ટ થઈ ગઈ. પરિણામે, જ્યારે તેણે જોડિયા બાળકોને જન્મ આપ્યો ત્યારે બંને બાળકોના પિતા અલગ-અલગ હતા.
બાળકોનો દેખાવ અલગ લાગતા મહિલાને શંકા આવી ત્યારે તેણે એક પુરુષને પિતા માનીને પિતૃત્વ પરીક્ષણ કરાવ્યું. રિપોર્ટમાં સામે આવ્યું કે તેનું DNA માત્ર એક બાળક સાથે જ મેળ ખાતું હતું, બીજું બાળક સાથે કોઈ મેળ નહોતો. મહિલાને યાદ આવ્યું કે એ જ દિવસે તેણે બીજા પુરુષ સાથે પણ સંબંધ બાંધ્યા હતા. પછી બીજા પુરુષનો ટેસ્ટ કરાવાયો તો તેનું DNA બીજા બાળક સાથે મેળ ખાતું હતું. આ ઘટના મેડિકલ વિજ્ઞાનમાં 'હેટ્રોપેટરનલ સુપરફિકન્ડેશન કહેવાય છે. તેમાં મહિલા એક જ માસિક ચક્રમાં બે અંડા રિલીઝ કરે છે અને બંને અંડા અલગ-અલગ પુરુષોના સ્પર્મથી ફર્ટિલાઈઝ થાય છે. સ્પર્મ શરીરમાં ઘણા દિવસો સુધી જીવિત રહી શકે છે, એટલે અલગ-અલગ સમયે સંબંધ બાંધવાથી પણ આવું બની શકે છે.
માનવોમાં આવી ઘટના ખૂબ જ દુર્લભ છે. અત્યાર સુધી દુનિયાભરમાં માત્ર આશરે 20 આવા કેસ નોંધાયા છે. કૂતરા, બિલાડી જેવા પ્રાણીઓમાં આવું સામાન્ય છે, પણ માનવોમાં બહુ ઓછું જોવા મળે છે. આ કેસમાં બંને જોડિયા બાળકો હાફ-સિબ્લિંગ્સ છે, કારણ કે તેમની માતાનું જનેટિક મટિરિયલ તો એક છે, પણ પિતા અલગ છે.
આવું શક્ય કેમ બને છે?
મહિલાના માસિક ચક્રમાં સામાન્ય રીતે એક જ અંડું રિલીઝ થાય છે. પણ ક્યારેક બે કે વધુ અંડા રિલીઝ થઈ શકે છે. જો મહિલા એ સમયે બે અલગ-અલગ પાર્ટનર સાથે સંબંધ બાંધે તો બંને અંડાનું ફર્ટિલાઈઝેશન અલગ-અલગ સ્પર્મથી થઈ શકે છે. હાલ આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો આશ્ચર્ય, મજાક અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.