વાહન લોનના ચેક બાઉન્સના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
- ટ્રેક્ટરની લોન ભરપાઈ ન થતા થયેલ કેસમાં રાજકોટ કોર્ટે પુરાવાઓને ધ્યાને લઈ ચુકાદો આપ્યો
સિટી ન્યૂઝ@ રાજકોટ : વાહન ખરીદી માટે લીધેલી લોનની ભરપાઈ ન થતા થયેલ ચેક બાઉન્સના કેસમાં રાજકોટની કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસની વિગત મુજબ, વિસાવદરના મોટાભલગામના રહેવાસી કમલેશભાઈ ભીખુભાઈ સાગઠીયાએ મહિન્દ્રા કંપનીનું 'યુવરાજ-15' ટ્રેક્ટર ખરીદવા માટે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપનીમાંથી રૂ. 2,67,600/- ની લોન લીધી હતી.આરોપીએ લોનના નિયમિત હપ્તા ન ભરતા ફાઇનાન્સ કંપનીએ લીગલ નોટીસ ફટકારી હતી. સમય મર્યાદામાં લોનની ભરપાઈ ન થતા કંપની દ્વારા નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ રાજકોટના એડી. ચીફ જ્યુડી. મેજી. કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન આરોપીના વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. વકીલએ ફરિયાદીની આકરી ઉલટ તપાસ કરી હતી.ગુજરાત હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાઓ રજૂ કર્યા હતા.વિશેષ પુરાવાઓ અને કાયદાકીય પાસાઓને કોર્ટ સમક્ષ મૂક્યા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને રાખી આરોપી કમલેશભાઈ સાગઠીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.
આ કેસમાં આરોપી તરફે 'વિઠલાપરા સોલિસિટર્સ એન્ડ એડવોકેટ્સ' ના વકીલઓ ચેતન વિઠલાપરા, સાગર સરવૈયા, રીતુસિંહ, લવજી ભજોતર, વિજય વણઝારા, કિરીટ ગોહિલ, સહિતના રોકાયેલ હતા.