ગાંધીગ્રામમાં ડામર રોડ ચીરીને પાણી બહાર આવ્યું
- પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો બગાડ
- ગાંધીગ્રામમાં જળ હોનારત જેવી સ્થિતિ: લીકેજથી આખો રોડ નદીમાં ફેરવાયો
- રોડ બનાવવાની નબળી ગુણવત્તા અને તંત્રની બેદરકારી પર સવાલ
- જવાબદાર અધિકારીઓ સામે તપાસની માંગ: લોકોમાં ભારે રોષ
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગાંધીગ્રામમાં લાખના બંગલા વાળા રોડ પર પાણીની મુખ્ય લાઈનમાં અચાનક ભંગાણ સર્જાતા ગંભીર સ્થિતિ જોવા મળી હતી. પાઈપલાઈન ફાટવાને કારણે હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે, જેના કારણે આખાય વિસ્તારમાં પાણીની રેલમછેલ થઈ ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાણીનું દબાણ એટલું વધારે હતું કે ડામરનો મજબૂત રોડ પણ ચીરાઈ ગયો હતો અને અંદરથી પાણીના ફુવારા છૂટ્યા હતા. આ ઘટનાને કારણે પાલિકાના વોટર વર્કસ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. લાખના બંગલા રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થવાની ઘટનાઓ પણ બની રહી છે. બીજી તરફ, રસ્તાની વચ્ચેથી પાણી નીકળવાને કારણે સ્થાનિક રહીશોએ રોડ કોન્ટ્રાક્ટર અને તંત્ર વચ્ચેની મિલીભગતનો આક્ષેપ કર્યો છે. લોકોનું કહેવું છે કે જો રોડની કામગીરી ગુણવત્તાયુક્ત હોત, તો આ રીતે પાણી રોડ તોડીને બહાર ન આવ્યું હોત.
હાલમાં આટલા મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ભરઉનાળે જ્યારે શહેરમાં પાણીની તંગી વર્તાતી હોય છે, ત્યારે આ રીતે 1000s લીટર પાણી વેડફાઈ રહ્યું છે તે અત્યંત ગંભીર બાબત છે. વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે સત્તાધીશો તાત્કાલિક સ્થળ પર પહોંચી લીકેજ બંધ કરે અને રોડની ગુણવત્તાની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે.