Loading Please Wait !!!
મિડલ-ઈસ્ટ યુદ્ધની ભયાનક અસર: વિશ્વભરમાં પેટ્રોલના ભાવમાં 30%નો તોતિંગ વધારો

  • યુરોપ-એશિયામાં મોંઘવારીનો વિસ્ફોટ; ભારત સરકાર પર ભાવ વધારવાનું પ્રચંડ દબાણ
  • તેલ કંપનીઓને 30 હજાર કરોડની ખોટ છતાં જનતા પર બોજ ન પડે તેવો સરકારનો પ્રયાસ
  • એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડા છતાં સરકારી તિજોરીને 35 હજાર કરોડનું મોટું નુકસાન

સિટી ન્યુઝ @ નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં 30% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ કટોકટીની સીધી અસર વિશ્વના અનેક વિકસિત દેશો પર પડી છે, જ્યાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 25 થી 35% સુધીનો ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે. સિંગાપોર, જર્મની અને ફ્રાન્સ જેવા દેશોમાં ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે, જેની સરખામણીએ ભારતમાં હજુ પણ પેટ્રોલ-ડીઝલ અને ઘરેલું એલપીજીના ભાવ અંકુશમાં રાખવામાં આવ્યા છે. જોકે, વૈશ્વિક સ્થિતિ જોતા ભારતમાં પણ આગામી દિવસોમાં ભાવ વધારો અનિવાર્ય જણાઈ રહ્યો છે.

રિપોર્ટ અનુસાર, પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યા બાદ સિંગાપોરમાં પેટ્રોલના ભાવમાં 30%, સ્પેનમાં 34% અને જાપાન-દક્ષિણ કોરિયામાં પણ 30% સુધીનો વધારો નોંધાયો છે. જો ભારતીય રૂપિયામાં કિંમત જોઈએ તો સિંગાપોરમાં એક લિટર પેટ્રોલ 240 રૂપિયા, નેધરલેન્ડમાં 225 રૂપિયા અને જર્મનીમાં 205 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. તેની સામે ભારતમાં લાંબા સમયથી પેટ્રોલની કિંમત સરેરાશ 95 રૂપિયાની આસપાસ સ્થિર રાખવામાં આવી છે. આ સ્થિરતા જાળવવા માટે સરકાર અને તેલ કંપનીઓએ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

ગત મહિને કેન્દ્ર સરકારે જનતાને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર 10-10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. આ નિર્ણયથી તેલ કંપનીઓને હંગામી રાહત મળી હતી, પરંતુ એપ્રિલના અંત સુધીમાં આ કંપનીઓની કુલ ખોટ 30,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ, ટેક્સમાં ઘટાડો કરવાને કારણે સરકારની તિજોરીને પણ એપ્રિલના અંત સુધીમાં 35,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આંકડા દર્શાવે છે કે સરકાર હાલમાં પેટ્રોલ પર લિટર દીઠ 24 રૂપિયા અને ડીઝલ પર 30 રૂપિયાનું નુકસાન વેઠી રહી છે.

ઈંધણની અછત ટાળવા માટે ભારતે પોતાની વ્યાપારી રણનીતિમાં મોટો બદલાવ કર્યો છે. ભારત હવે માત્ર અખાતી દેશો પર નિર્ભર રહેવાને બદલે વિશ્વના 41 અલગ-અલગ દેશો પાસેથી કાચા તેલની ખરીદી કરી રહ્યું છે. એલપીજી (LPG) ની સપ્લાય મોટાભાગે હોર્મુઝના રસ્તેથી થતી હતી, જે હાલમાં સંઘર્ષના કારણે પ્રભાવિત થઈ છે. આથી ભારતે હવે અન્ય દેશો પાસેથી ગેસની ખરીદી શરૂ કરી છે. જોકે, લાંબો દરિયાઈ રૂટ અને વધતી માંગને કારણે પરિવહન અને ખરીદી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.

વધતા ખર્ચ છતાં, સરકારે અત્યાર સુધી માત્ર વ્યાપારી (કોમર્શિયલ) ગ્રાહકો માટે જ ગેસના ભાવમાં વધારો કર્યો છે અને ઘરેલું ગ્રાહકોને આ બોજમાંથી મુક્ત રાખ્યા છે. પશ્ચિમ એશિયામાં જો આ સંકટ હજુ વધુ સમય સુધી યથાવત રહેશે, તો સરકાર માટે કિંમતો પર કાબૂ રાખવો અશક્ય બની જશે. નિષ્ણાતોના મતે, જો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો નહીં થાય, તો ભારતીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં ટૂંક સમયમાં મોટો ઉછાળો આવી શકે છે, જે સામાન્ય જનતાના બજેટને અસર કરશે.