હોર્મુઝની ખાડીમાં ભારત આવતા 40 જહાજો ફસાયા: ઉર્જા કટોકટીનો ખતરો
- ઈરાન-અમેરિકા સંઘર્ષમાં દરિયાઈ માર્ગ રૂંધાયો; LPG, LNG અને ક્રૂડના પુરવઠા પર સીધી અસર
- ભારત સરકાર દ્વારા 41 જહાજોની યાદી તૈયાર; હોર્મુઝ સ્ટ્રેટમાં ગોળીબારથી તણાવ ચરમસીમાએ
- અમેરિકા અને ઈરાન સામસામે, ભારતીય ધ્વજવાળા 13 જહાજો દરિયામાં અટવાયા
સિટી ન્યુઝ @ તેહરાન : હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ભીષણ કટોકટીએ અત્યારે વિશ્વ સહિત ભારત માટે ગંભીર આર્થિક અને ઉર્જા સુરક્ષાનો પડકાર ઉભો કર્યો છે. હાલમાં ભારત તરફ આવી રહેલા ઓછામાં ઓછા 40 જેટલા જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ જહાજો LPG, LNG, ક્રૂડ ઓઈલ અને ખાતર જેવા જીવનજરૂરી માલસામાનનું વહન કરી રહ્યા છે. ઈરાન-અમેરિકા વચ્ચેના વધતા સંઘર્ષને કારણે આ મહત્વપૂર્ણ દરિયાઈ કોરિડોર અત્યારે બંધ જેવી સ્થિતિમાં છે.
એક અહેવાલ મુજબ, પર્સિયન ગલ્ફમાં અટવાયેલા આ જહાજોમાંથી અડધાથી વધુ ઉર્જા ઉત્પાદનો વહન કરી રહ્યા છે. નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમ દિશામાં કુલ 13 ભારતીય ધ્વજવાળા જહાજો ફસાયેલા છે. ભારતીય અધિકારીઓએ પરિસ્થિતિની ગંભીરતાને જોતા પ્રાથમિકતાના ધોરણે ખાડીમાંથી બહાર કાઢવા માટે 41 જહાજોની યાદી તૈયાર કરી છે, જેમાં 18 ઉર્જા ટેન્કર અને 16 ખાતરના જહાજોનો સમાવેશ થાય છે.
શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેટમાં થયેલા ગોળીબારના કારણે પર્સિયન ગલ્ફમાં તણાવ ફરી ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાને અમેરિકા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું છે કે અમેરિકાએ જાસ્ક બંદર અને હોર્મુઝ સ્ટ્રેટ નજીક બે ઈરાની તેલ ટેન્કરો અને દરિયાકાંઠાના વિસ્તારો પર હુમલો કર્યો છે. ઈરાને ચેતવણી આપી છે કે યુએસ દળોની હાજરી આ વિસ્તારમાં અસ્થિરતાનું મુખ્ય કારણ છે અને તેમણે તાત્કાલિક પાછા હટી જવું જોઈએ.
ગત 28 ફેબ્રુઆરીથી અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર હુમલા શરૂ થયા ત્યારથી આ દરિયાઈ માર્ગમાં ટ્રાફિક ખોરવાઈ ગયો છે. ઈરાને આ કોરિડોરની નાકાબંધી કરી છે, જ્યારે સામા પક્ષે યુએસ નેવીએ પણ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાના નામે અવરોધો ઉભા કર્યા છે. આ બંને પક્ષો વચ્ચેની મડાગાંઠને કારણે ભારત સહિતના દેશોના ઉર્જા પુરવઠા પર મોટું જોખમ ઉભું થયું છે, જેના કારણે આગામી દિવસોમાં તેલ અને ગેસના ભાવમાં તોતિંગ વધારો થવાની ભીતિ છે.
હોર્મુઝ સ્ટ્રેટ એ ઈરાન અને ઓમાન વચ્ચેનો સાંકડો પરંતુ વ્યૂહાત્મક રીતે અતિ મહત્વનો દરિયાઈ માર્ગ છે, જે પર્સિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડે છે. વિશ્વનો મોટો હિસ્સો આ માર્ગ દ્વારા જ તેલ અને ગેસની આયાત-નિકાસ કરે છે. હાલમાં ભારતીય વિદેશ મંત્રાલય અને ઉર્જા વિભાગ આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે, જેથી ભારતના જહાજો અને માલસામાનને સુરક્ષિત રીતે બહાર લાવી શકાય.