Loading Please Wait !!!
પેટ ફૂલી જવાની સમસ્યામાં લેમન જીંજર શોટ અસરકારક

 

  • અનિયમિત ખોરાક અને બેઠાડું જીવનશૈલીથી વધે છે સમસ્યા

  • આદુના રસમાં લીંબુ અને સંચળ મિક્સ કરી બનાવો શોટ

  • પાચનતંત્રને એક્ટિવ કરી ગેસ બહાર કાઢવામાં મદદ કરે

સિટી ન્યુઝ @ રાજકોટ 

જમવાનો અનિયમિત સમય, વધારે પડતું તળેલું કે મસાલેદાર ભોજન અને બેઠાડું જીવનશૈલીના કારણે બ્લોટીંગ, ગેસ, પેટ ભારે થઈ જવું અને એસિડિટી જેવી તકલીફો ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો એવા હોય છે જેમને રોજ સવારે પેટ ફુલેલું રહે છે અને આ સમસ્યાને બ્લોટીંગ કહેવાય છે, જેના કારણે ભારે બેચેનીનો અનુભવ થાય છે. પેટ ફૂલી જવા કે ગેસ જેવી તકલીફોમાં તુરંત રાહત મેળવવા માટે લેમન જીંજર શોટ એક અત્યંત અસરકારક ઘરેલુ ઉપાય ગણાય છે.

આદુ અને લીંબુનું આ જાદુઈ ડ્રિંક દવા વિના ફુલેલા પેટની તકલીફ દૂર કરી શકે છે. લોકોનું માનવું છે કે બ્લોટીંગથી રાહત મેળવવા માટે આ ઉપાય અક્ષિર છે. જો પેટ ફૂલી ગયું હોય, બેચેની થતી હોય કે પછી છાતીમાં બળતરા જેવી તકલીફ થતી હોય તો લીંબુ અને આદુ મિક્સ કરીને ખાસ શોટ બનાવીને પી લેવાથી દવા વગર તુરંત આરામ મળી શકે છે.

લેમન જીંજર ડ્રિંક બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે. આ ડ્રિંક બનાવવા માટે 2 ઇંચનો આદુનો ટુકડો લઈ તેને ખમણીને તેનો રસ કાઢી લેવો. ત્યારબાદ આદુના રસમાં 1 ચમચી લીંબુનો રસ અને 3 ચમચી હૂંફાળું પાણી ઉમેરવું. ત્યાર પછી તેમાં જરૂર અનુસાર સંચળ ઉમેરીને આ મિશ્રણ તૈયાર કરી લેવું અને પી જવું. આ ડ્રિંક પીધા પછી 30 મિનિટ સુધી કંઈ પણ ખાવાની કે પીવાની મનાઈ હોય છે.

આદુમાં રહેલા પોષકતત્વો અને લીંબુ સાથે મળીને પેટના સ્નાયુઓને આરામ આપે છે અને ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે. આ ઉપરાંત, લીંબુ પાચન તંત્રને એક્ટિવ કરે છે, જેના કારણે આ શોટ તુરંત અસર કરે છે. જ્યારે પણ ભોજનનો સમય બદલી ગયો હોય કે મોડી રાત્રે જમવાથી બ્લોટીંગ થઈ જાય ત્યારે આ ડ્રિંક ખૂબ જ ગુણકારી સાબિત થાય છે.

જો કોઈ વ્યક્તિને ગેસ અને બ્લોટીંગની સમસ્યા રોજ રહેતી હોય તો તેઓ થોડા દિવસો સુધી નિયમિતપણે આ ડ્રિંક પી શકે છે. આનાથી ધીરે ધીરે બ્લોટીંગની સમસ્યાથી કાયમી રાહત મળી જાય છે અને પાચનક્રિયા પણ સુધરે છે, જેનાથી શરીર સ્ફૂર્તિલું રહે છે.

પેટની તકલીફો માટે અકસીર ઘરેલુ નુસખો

જીવનશૈલીની અનિયમિતતાથી થતી પેટની સમસ્યાઓમાં લેમન જીંજર શોટ કુદરતી અને સલામત ઉપાય પૂરો પાડે છે, જે પાચનને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે.